દક્ષિણ આફ્રિકામાં હિંસા અને ગોળીબારની ઘટનાઓએ હાહાકાર મચાવી દીધો છે. તાજેતરમાં જ ગૌટેંગ રાજ્યના વેડેલા ટાઉનશીપમાં આવેલ એક નાઇટ બારમાં કેટલાક અજ્ઞાત હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં ચાર મહિલાઓ સહિત કુલ 17 નિર્દોષ લોકોના મોત નીપજ્યા છે. આ અતિ ભયાનક ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સન્નાટો અને ભારે રોષ ફેલાઈ ગયો છે.
AK-47 રાઇફલ અને પિસ્તોલ દ્વારા કરાયું ફાયરિંગ
અહેવાલો અનુસાર, એજ્યુકેશન અને સશસ્ત્ર હુમલાખોરો AK-47 રાઇફલ અને પિસ્તોલ જેવા ઘાતક હથિયારો સાથે નાઇટ બારમાં અચાનક ઘૂસી આવ્યા હતા. જોહાનિસબર્ગના દક્ષિણપશ્ચિમમાં આવેલ આ નાઇટ બારમાં શનિવારે રાત્રે આશરે 9.30 વાગ્યાની આસપાસ લોકો શાંતિથી આનંદ માણી રહ્યા હતા, ત્યારે હુમલાખોરોએ અચાનક ભીડ પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. અચાનક થયેલા આ હુમલાથી બારમાં ભાગદોડ અને ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. જીવ બચાવવા માટે લોકો અહીં-તહીં ભાગ્યા હતા, પરંતુ હુમલાખોરોએ કોઈને પણ બચવાની તક આપી ન હતી.
https://twitter.com/mapkpets/status/2104099750039429129
4 મહિલા સહિત 17 લોકોના મોત
આ અંધાધૂંધ ગોળીબારમાં સ્થળ પર જ 13 પુરુષો અને 4 મહિલાઓ સહિત કુલ 17 લોકોના કરુણ મોત થયા હતા. આ ઉપરાંત, આ હુમલામાં અન્ય પંદર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેને ત્વરિત સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે. હુમલાખોરોએ માત્ર ગોળીબાર જ નહીં પરંતુ નાસભાગનો લાભ લઈને લોકોના મોબાઈલ ફોન પણ છીનવી લીધા હતા અને બાદમાં બે વાહનોમાં બેસીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.
દિવસેને દિવસે વધી રહી છે ફાયરિંગની ઘટના
ઘટનાની જાણ થતા જ દક્ષિણ આફ્રિકન પોલીસ સેવા (SAPS) અને ઇમરજન્સી મેડિકલ સર્વિસીસની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. શરૂઆતમાં ઘાયલો અને પ્રત્યક્ષદર્શીઓ દ્વારા કેટલાક હુમલાખોરોના નામ આપવામાં આવ્યા છે, જેના આધારે પોલીસે સઘન તપાસ અને ધરપકડ માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. હજુ સુધી ગોળીબાર પાછળનો ચોક્કસ હેતુ કે કારણ બહાર આવ્યું નથી, પરંતુ પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસીને આરોપીઓની ઓળખ કરવાનું શરૂ કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ આફ્રિકામાં તાજેતરના દિવસોમાં સામૂહિક ગોળીબારની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, જેમાં ડર્બન અને જોહાનિસબર્ગમાં અગાઉ બનેલી હિંસક ઘટનાઓમાં પણ અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે.
આ પણ વાંચોઃ Stretch marks: પ્રેગનેન્સીમાં રહી ગયેલા સ્ટ્રેચ માકર્સ ચપટીમાં થશે દૂર, માત્ર અપનાવો આ ટિપ્સ