વૈશ્વિક રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. અહેવાલો અનુસાર, અમેરિકા અને ઈઝરાયેલ ઈરાનના પરમાણુ ભંડારને સુરક્ષિત કરવા અથવા જપ્ત કરવા માટે એક અત્યંત ગુપ્ત અને સાહસિક લશ્કરી મિશન પર વિચાર કરી રહ્યા છે. આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય ઈરાન પાસે રહેલા અંદાજે 450 કિલોગ્રામ (60% સમૃદ્ધ) યુરેનિયમને કબજે કરવાનો છે, જે પરમાણુ શસ્ત્રો બનાવવાની ખૂબ જ નજીક ગણાય છે.
મિશનનો પ્લાન અને વ્યૂહરચના
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કડક વલણ બાદ આ ચર્ચાઓ તેજ બની છે. મિશન માટે મુખ્યત્વે બે વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. ઈરાની ધરતી પર ખાસ દળો ઉતારીને ત્યાંની સુરક્ષિત ભૂગર્ભ સુવિધાઓમાંથી યુરેનિયમનો જથ્થો બહાર કાઢી લેવો. પરમાણુ નિષ્ણાતો અને વિશેષ દળોને મોકલીને સ્થળ પર જ યુરેનિયમની સંવર્ધન ક્ષમતામાં ઘટાડો કરવો.
ક્યારે અને કેવી રીતે થશે આ કાર્યવાહી?
નિષ્ણાતોના મતે, આ કોઈ મોટા પાયે યુદ્ધની શરૂઆત નહીં હોય, પરંતુ એક 'સચોટ સર્જિકલ ઓપરેશન' જેવું હશે. આ મિશન ત્યારે જ હાથ ધરવામાં આવશે જ્યારે ખાતરી થશે કે ઈરાની સૈન્ય આ દળો સામે મોટો અવરોધ ઉભો કરી શકશે નહીં. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોના તાજેતરના નિવેદન મુજબ, આખરે કોઈએ તો ત્યાં જઈને આ ખતરાને દૂર કરવો જ પડશે.
પરમાણુ વૈજ્ઞાનિકોની ભૂમિકા
આ મિશનમાં માત્ર સૈનિકો જ નહીં, પરંતુ પરમાણુ વૈજ્ઞાનિકો અને સંભવતઃ આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA) ના નિષ્ણાતોનો પણ સમાવેશ થઈ શકે છે. જો ઈરાન તેનું 60% સમૃદ્ધ યુરેનિયમ 90% સુધી લઈ જાય, તો તે વિનાશક પરમાણુ બોમ્બ બનાવી શકે છે, જે ઈઝરાયેલ અને પશ્ચિમી દેશો માટે મોટો ખતરો છે.
