શ્રીલંકાની એક વિશેષ અદાલતે ૨૦૧૯ના ચકચારી ઇસ્ટર સન્ડે આત્મઘાતી હુમલા કેસમાં પોતાનો ઐતિહાસિક અને મોટો ચુકાદો જાહેર કર્યો છે. કોર્ટે કુલ 24 આરોપીઓમાંથી 15 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે અને દરેકને 220 વર્ષની આકરી સજા ફટકારી છે, જ્યારે અન્ય 9 આરોપીઓને નિર્દોષ જાહેર કરીને મુક્ત કર્યા છે. પાંચ વર્ષ સુધી ચાલેલી આ લાંબી કાનૂની લડાઈ અને ન્યાયિક પ્રક્રિયા બાદ આ સજા આપવામાં આવી છે.

ઇસ્ટર સંડેના દિવસે થયો હતો ભીષણ નરસંહાર

ઉલ્લેખનીય છે કે ૨૧ એપ્રિલ ૨૦૧૯ના રોજ ઇસ્ટર સન્ડેના પાવન અવસરે શ્રીલંકામાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટો કરવામાં આવ્યા હતા. ISIS સાથે જોડાયેલા સ્થાનિક ઉગ્રવાદી સંગઠન 'નેશનલ તૌહીદ જમાત' (NTJ) ના નવ આત્મઘાતી બોમ્બરોએ દેશના ત્રણ કેથોલિક ચર્ચ અને ત્રણ લક્ઝરી હોટલોને નિશાન બનાવીને આતંક મચાવ્યો હતો. આ હૃદયદ્રાવક હુમલાઓમાં ૧૧ ભારતીય નાગરિકો સહિત કુલ ૨૭૦ નિર્દોષ લોકોના મોત થયા હતા, જ્યારે ૫૦૦ થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. સંગઠનનો નેતા ઝહરાન હાશિમે આ આત્મઘાતી ટુકડીનું જાતે નેતૃત્વ કર્યું હતું.

૨,૩૦૯ સાક્ષીઓ અને ૨૩,૨૭૦ આરોપોની લાંબી સુનાવણી

કોલંબો હાઈકોર્ટની ત્રણ સભ્યોની વિશેષ બેન્ચ (જેમાં ન્યાયાધીશ નવરત્ને મારાસિંઘે, રામનાથન કન્નન અને સુજીવા નિસાન્કાનો સમાવેશ થાય છે) દ્વારા આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ટ્રાયલ દરમિયાન આરોપીઓ વિરુદ્ધ કુલ ૨૩,૨૭૦ ગંભીર આરોપો ઘડવામાં આવ્યા હતા. આ કેસમાં ન્યાય સુનિશ્ચિત કરવા માટે ૨,૩૦૯ સાક્ષીઓએ પોતાની જુબાનીઓ અને નિવેદનો નોંધાવ્યા હતા. કોર્ટે આતંકવાદ નિવારણ અધિનિયમ હેઠળ હત્યા, હત્યાનો પ્રયાસ, આતંકવાદી કાવતરું રચવા અને વિસ્ફોટકોના ગેરકાયદેસર ઉપયોગ બદલ મુખ્ય આરોપી નૌફર મૌલવી સહિતના ૧૫ દોષિતોને સખત કેદની સજા ફટકારી છે.

ગુપ્ત માહિતી છતાં નિષ્ફળતા અને રાજકીય વિવાદ

આ હુમલા સમયે શ્રીલંકામાં ભારે રાજકીય ભૂકંપ આવ્યો હતો કારણ કે ગુપ્તચર એજન્સીઓ પાસે અગાઉથી સંભવિત હુમલાની માહિતી હોવા છતાં તત્કાલીન સરકાર તેને રોકવામાં નિષ્ફળ રહી હતી. આ કેસની કડક તપાસ બાદ વિદેશોમાં છુપાયેલા પાંચ શંકાસ્પદોને પણ યુએઈથી શ્રીલંકા પરત લાવવામાં આવ્યા હતા. આ ચુકાદો આતંકવાદ સામે લડવામાં અને પીડિત પરિવારોને ન્યાય અપાવવામાં એક સીમાચિહ્નરૂપ પગલું સાબિત થયો છે.

આ પણ વાંચોઃ PM Modi US Visit: વડાપ્રધાન મોદી વર્ષના અંતમાં અમેરિકા જાય તેવી શક્યતા, ટ્રમ્પ સાથે કરશે દ્વિપક્ષીય બેઠક