કોલંબો નજીક હોરાના વિસ્તારમાં એક વૃદ્ધાશ્રમમાં લાગેલી ભીષણ આગમાં મૃત્યુઆંક વધીને 11 થયો છે.
અફરાતફરીનો માહોલ સર્જાયો
શ્રીલંકાની રાજધાની કોલંબોથી લગભગ 65 કિલોમીટર દક્ષિણપૂર્વમાં કાલુતારા જિલ્લાના અંગુરુવાટોટા વિસ્તારમાં આવેલા માવપિયા સેવાના વૃદ્ધાશ્રમમાં સવારે 5:30 વાગ્યે આગ લાગી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ હજુ પણ ત્રણ લોકો ગુમ છે, અને તેમની શોધ ચાલુ છે. આગ લાગી ત્યારે વૃદ્ધાશ્રમમાં કુલ 72 વૃદ્ધો રહેતા હતા. આગ ઝડપથી ઇમારતના ઘણા ભાગોમાં ફેલાઈ હતી. જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
બચાવકાર્ય શરુ
ઘટનાની માહિતી મળતાં જ પોલીસ, ફાયર વિભાગ, ઇમરજન્સી રિસ્પોન્સ ટીમો અને સ્થાનિક રહેવાસીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ અને રાહત કામગીરી શરૂ કરી. બચાવ ટીમોની તત્પરતાને કારણે, 44 લોકોને કોઈ પણ ઇજા વિના સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, આગ અને ધુમાડામાં ઘણા લોકો ફસાયા હતા. અકસ્માતમાં ઘાયલ થયેલા સાત લોકોને હોરાના જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
ઘટના અંગે અનુમાન લગાવાયા
અનુમાન લગાવાઇ રહ્યુ છે કે, નર્સિંગ હોમમાં સિલિન્ડર ફાટ્યા પછી આગ લાગી હતી. જોકે, હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પોલીસ અને સંબંધિત એજન્સીઓએ તપાસ શરૂ કરી છે. તપાસકર્તાઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આગ કેવી રીતે લાગી અને તે આખી ઇમારતમાં આટલી ઝડપથી કેવી રીતે ફેલાઈ ગઈ. સ્થાનિક વહીવટીતંત્રે આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યો છે અને પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે, જ્યારે સરકારે ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે સંપૂર્ણ તપાસનું વચન આપ્યું છે. આ ઘટનાને શ્રીલંકામાં તાજેતરના વર્ષોમાં નર્સિંગ હોમમાં થયેલા સૌથી દુ:ખદ અકસ્માતોમાંની એક માનવામાં આવે છે.
આ પણ વાંચોઃ Kim Jong Unનો પરમાણુ બોમ્બ બનાવવાનો નવો પ્લાન













