મિડલ ઈસ્ટમાં સ્થિતિ ફરી એકવાર અત્યંત સ્ફોટક બની ગઈ છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં અમેરિકી સેનાએ ઈરાનના બે તેલ ટેન્કરો પર હુમલો કરી તેમને નિષ્ક્રિય કરી દીધા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં રાતભર બંને પક્ષો વચ્ચે ભીષણ ગોળીબાર થયો હોવાના અહેવાલો છે.
નાકાબંધી તોડવાનો પ્રયાસ
અમેરિકી સૈન્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઈરાનના આ ટેન્કરો અમેરિકા દ્વારા લાદવામાં આવેલી નાકાબંધી (Blockade) તોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ૨૮ ફેબ્રુઆરીથી આ મહત્વપૂર્ણ જળમાર્ગ બંધ હોવાને કારણે વિશ્વભરમાં ઇંધણના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. અમેરિકાનો દાવો છે કે ઈરાને તેના સૈન્ય જહાજો પર પણ હુમલાનો પ્રયાસ કર્યો હતો, જેને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે.
ઈરાનનો વળતો પ્રહાર
બીજી તરફ, ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ આ હુમલાને સંઘર્ષવિરામનું ઉલ્લંઘન ગણાવ્યું છે. સંયુક્ત આરબ અમીરાત (UAE) એ પણ દાવો કર્યો છે કે તેના પર ઈરાની મિસાઈલ અને ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ઈરાન અમેરિકી હિતોને પડકારશે તો તેને આવી જ જવાબી કાર્યવાહીનો સામનો કરવો પડશે.
શાંતિ માટે પાકિસ્તાનના પ્રયાસો
આ ગંભીર સ્થિતિ વચ્ચે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે જણાવ્યું છે કે તેઓ સીઝફાયર વધારવા અને શાંતિ સ્થાપવા માટે અમેરિકા અને ઈરાન બંને સાથે સતત સંપર્કમાં છે. જોકે, પરમાણુ કાર્યક્રમ અને હોર્મુઝમાં અવરજવરને લઈને હજુ પણ મડાગાંઠ યથાવત છે, જેનાથી વૈશ્વિક બજારોમાં ચિંતા વધી ગઈ છે.
આ પણ વાંચો:USA: ઈરાનને બદલે વેનેઝુએલાથી 13.5 કિલો સંવર્ધિત યુરેનિયમ અમેરિકાએ કબજે કર્યું, જાણો શું છે આ ગુપ્ત ઓપરેશન?