મધ્ય પૂર્વમાં શાંતિની આશા વચ્ચે ફરી એકવાર મોટું યુદ્ધ ફાટી નીકળ્યું છે. હોર્મુઝની સામુદ્રધુનીમાં અમેરિકી દળોએ ઈરાનના બે તેલ ટેન્કરો પર ભીષણ હુમલો કરી તેમને નિષ્ક્રિય કરી દીધા છે. આ ઘટનાને પગલે આખા વિસ્તારમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે અને બંને દેશો વચ્ચે રાતોરાત ભારે ગોળીબાર થયો હોવાના અહેવાલો મળી રહ્યા છે.

નાકાબંધી તોડવાનો પ્રયાસ અને બદલો

અમેરિકી સૈન્યના જણાવ્યા અનુસાર, ઈરાની ટેન્કરો અમેરિકા દ્વારા લાદવામાં આવેલી દરિયાઈ નાકાબંધીને તોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ કાર્યવાહીના કલાકો પહેલા અમેરિકાએ દાવો કર્યો હતો કે તેણે ઈરાની નૌકાદળના ત્રણ જહાજોના હુમલાને નિષ્ફળ બનાવ્યા છે અને વળતા પ્રહારમાં ઈરાનના સૈન્ય થાણાઓને નિશાન બનાવ્યા છે. બીજી તરફ, સંયુક્ત આરબ અમીરાત (UAE) એ પણ આરોપ લગાવ્યો છે કે તેના પર ઈરાની ડ્રોન અને મિસાઈલો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે.

28 ફેબ્રુઆરીથી બંધ છે મુખ્ય જળમાર્ગ

નોંધનીય છે કે, 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ ઈરાને ઉર્જા પુરવઠા માટે અત્યંત મહત્વના ગણાતા હોર્મુઝ જળમાર્ગને બંધ કરી દીધો હતો. એપ્રિલમાં બંને દેશો વચ્ચેની શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા બાદ અમેરિકાએ ઈરાની બંદરોની નાકાબંધી કરી દીધી હતી. આ ગતિરોધને કારણે વૈશ્વિક સ્તરે ઇંધણના ભાવમાં તોતિંગ વધારો થયો છે અને શેરબજારોમાં ગાબડાં પડ્યા છે.

રાજદ્વારી નિવેદનો અને વૈશ્વિક ચિંતા

આ હુમલા બાદ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે અમેરિકી હિતોને પડકારનાર કોઈપણ શક્તિને જડબાતોડ જવાબ આપવામાં આવશે. તેની સામે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ આ હુમલાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન અને ખુલ્લી ઉશ્કેરણી ગણાવી છે. પાકિસ્તાન સહિતના દેશો આ મામલે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ ઈરાન હાલ અમેરિકાના પ્રસ્તાવો સ્વીકારવા તૈયાર નથી.

આ પણ વાંચોઃ FBI: અમેરિકાથી કેનેડા હથિયારોની સ્મગલિંગનું રેકેટ ઝડપાયું, પાકિસ્તાની સહિત 3ની ધરપકડ