અમેરિકા અને ઈરાન વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ પરનો તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ પર દાવો કરવા અને તેને "નવો અમેરિકન પ્રદેશ" ગણાવવાના નિવેદનની ઈરાને આકરી મજાક ઉડાવી છે. ઈરાનના ટોચના સુરક્ષા અધિકારી મોહસેન રેઝાઈએ કટાક્ષ કરતા જણાવ્યું છે કે આ જળમાર્ગને ફરીથી ખોલવાના અમેરિકાના દાવા અને તેની વાસ્તવિકતા વચ્ચે 7,000 માઈલથી વધુનું અંતર છે, એટલે કે તેઓ દૂર બેસીને સપનાં જોઈ રહ્યા છે.

6 મહિના પહેલા હોર્મુઝને યુએસનો ગણાવ્યો હતો ભાગ

આશરે છ મહિના પહેલાં 28  ફેબ્રુઆરીના રોજ શરૂ થયેલું યુદ્ધ હવે હોર્મુઝ સ્ટ્રેટ પરના તણાવપૂર્ણ ગતિરોધમાં પરિવર્તિત થઈ ગયું છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક નકશો શેર કરીને હોર્મુઝ સ્ટ્રેટને યુએસ પ્રદેશ ગણાવ્યો હતો અને તેના પર કબજો જમાવવાની ધમકી આપી હતી. વૈશ્વિક તેલ પુરવઠાના પાંચમા ભાગનો હિસ્સો ધરાવતા આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગને યુદ્ધ શરૂ થયા ત્યારથી ઈરાને અવરોધિત કરી દીધો છે, જેના કારણે વૈશ્વિક સ્તરે શિપિંગ અને ઊર્જા પુરવઠામાં મોટો વિક્ષેપ સર્જાયો છે.

ટ્રમ્પના નિવેદનની ઇરાને ઉડાવી મજાક

ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના સેક્રેટરી મોહસેન રેઝાઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર વિશ્વના નકશા સાથે પોસ્ટ મૂકીને લખ્યું કે, "હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવામાં અમેરિકાની નિષ્ફળતા અને તેના દાવા વચ્ચેનું અંતર બંને વચ્ચેના ૭,૦૦૦ માઈલ કરતા ઘણું વધારે છે." તેમણે પર્શિયન ગલ્ફમાં અમેરિકાને કટાક્ષભર્યા અંદાજમાં આવકાર પણ આપ્યો હતો. ઈરાનનું સ્પષ્ટ વલણ છે કે આ જળમાર્ગ તેનું છે અને તેનું જ રહેશે.
https://twitter.com/ir_rezaee/status/2089763608146088296

હોર્મુઝ ખોલવા શાંતિપૂર્ણ વાટાઘાટો જરૂરી

જ્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવાનો સવાલ છે, ત્યાં સુધી ઈરાને પોતાની કડક શરતો મૂકી છે. ઈરાનનું કહેવું છે કે જ્યાં સુધી અમેરિકા તેની માંગણીઓ નહીં સ્વીકારે ત્યાં સુધી આ માર્ગ નહીં ખુલે. આ માંગણીઓમાં ઈરાની બંદરો પરની નાકાબંધી હટાવવી, તેલ પરના પ્રતિબંધો પાછા ખેંચવા, વિદેશોમાં જપ્ત કરાયેલી ઈરાનની સંપત્તિ મુક્ત કરવી અને યુદ્ધનું વળતર ચૂકવવાનો સમાવેશ થાય છે. દરમિયાન, કતારના વિદેશ મંત્રાલયે નિવેદન આપ્યું છે કે તે આ ગતિરોધને ઉકેલવા માટે અમેરિકા અને ઈરાન વચ્ચે કોઈ સમજુતી કે કરાર થાય તેમ ઈચ્છે છે, જેથી બંને દેશો વચ્ચે ફરીથી શાંતિપૂર્ણ વાટાઘાટોનો દોર શરૂ થઈ શકે.

આ પણ વાંચોઃ Gold mine collapses: સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકમાં સોનાની ખાણ ધસી, 30 લોકોના મોત