સુદાનમાં ચાલી રહેલું ગૃહયુદ્ધ હવે અત્યંત ખતરનાક વળાંક લઈ ચૂક્યું છે. તાજેતરમાં સુદાન અને દક્ષિણ સુદાન વચ્ચેના વિવાદિત સરહદી ક્ષેત્ર અબેઈના એક વ્યસ્ત બજારમાં થયેલા ભીષણ ડ્રોન હુમલામાં 153 થી વધુ લોકોના મોત થયા છે. આ હુમલામાં અનેક નિર્દોષ બાળકો અને મહિલાઓને પણ નિશાન બનાવવામાં આવ્યા છે, જેના કારણે વૈશ્વિક સ્તરે ચિંતાની લહેર દોડી ગઈ છે.
અમીટ બજારમાં પેટ્રોલ પંપ પાસે થયો વિસ્ફોટ
સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ડ્રોન હુમલો અબેઈના અમીટ બજારમાં આવેલા એક પેટ્રોલ પંપ પાસે થયો હતો. વિસ્ફોટ એટલો શક્તિશાળી અને ભયાનક હતો કે ક્ષણવારમાં જ ત્યાં ભીષણ આગ લાગી ગઈ અને ચારેય તરફ આગની જ્વાળાઓ ફેલાઈ જવાથી ભારે નાસભાગ તથા ગભરાટ ફેલાઈ ગયો હતો. આ દુર્ઘટનામાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, અને મૃત્યુઆંક હજુ વધવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સુદાનની સેના પર ગંભીર આક્ષેપો અને રાજદૂતને સમન્સ
સ્થાનિક અધિકારીઓ અને દક્ષિણ સુદાનના વિદેશ મંત્રાલયે આ ઘાતક હુમલા માટે સીધી રીતે સુદાનની સેનાને જવાબદાર ઠેરવી છે. અબેઈના કાર્યકારી માહિતી પ્રધાન યોહાના અકોલ ન્ગોરે જણાવ્યું હતું કે સુદાનની સેના દ્વારા નાગરિક વિસ્તારોને જાણી જોઈને નિશાન બનાવવામાં આવ્યા છે. આ ગંભીર ઘટના બાદ દક્ષિણ સુદાનના વિદેશ મંત્રાલયે સુદાનના રાજદૂતને સમન્સ પણ પાઠવ્યું છે. મંત્રાલયના જણાવ્યા મુજબ, હુમલામાં બજારના અનેક સ્થળો તબાહ થઈ ગયા છે અને વ્યાપક સંપત્તિને ભારે નુકસાન થયું છે.
એપ્રિલ 2023થી ચાલી રહ્યું છે વિનાશક ગૃહયુદ્ધ
ઉલ્લેખનીય છે કે સુદાનની સેના અને અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સિસ (આરએસએફ) વચ્ચે એપ્રિલ 2023થી સત્તા મેળવવા માટે લોહિયાળ સંઘર્ષ ચાલી રહ્યો છે, જે હવે એક ભીષણ ગૃહયુદ્ધમાં ફેરવાઈ ગયો છે. અગાઉ પણ આવા ડ્રોન હુમલાઓમાં અનેક ધાર્મિક સ્થળો અને નાગરિક વસાહતોને ઉડાવી દેવામાં આવી છે. તાજેતરના મહિનાઓમાં ડ્રોન હુમલાઓની વધતી જતી સંખ્યાએ સામાન્ય નાગરિકોના અસ્તિત્વ સામે મોટો ખડો કરી દીધો છે.
માલીમાં પણ આતંકવાદી હુમલો: 48 લોકોના મોત
આફ્રિકાના અન્ય એક દેશ માલીમાં પણ હિંસાની મોટી ઘટના સામે આવી છે. પૂર્વી માલીના મેનાકા ક્ષેત્રમાં સપ્તાહના અંતે ઇસ્લામિક સ્ટેટ (આઈએસ) સાથે સંકળાયેલા આતંકવાદી જૂથ દ્વારા કરવામાં આવેલા ક્રૂર હુમલામાં 48લોકો માર્યા ગયા છે. સ્થાનિક ધારાસભ્ય દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે આ આતંકવાદી હુમલામાં પણ બાળકો અને વૃદ્ધોને છોડવામાં આવ્યા ન હતા. આ સળંગ ઘટનાઓ દર્શાવે છે કે આફ્રિકી ખંડમાં નાગરિકોનું જીવન સુરક્ષિત નથી રહ્યું.
આ પણ વાંચોઃ Aditya-L1: સૂર્યના વિસ્ફોટો વિશે મળી નવી માહિતી, જાણો પૃથ્વી માટે કેમ છે મહત્વની