સુદાનના પશ્ચિમ કોર્ડોફાન પ્રાંતમાં સોનાની ખાણનો એક ભાગ અચાનક ધસી પડતાં ઓછામાં ઓછા 67 લોકોનાં મોત થયા છે. આ દુર્ઘટના નુહુદ શહેર નજીક આવેલી અલ-જારા સોનાની ખાણમાં મંગળવારે મોડી રાત્રે બની હતી. સ્થાનિક મેડિકલ ગ્રુપ અને બચી ગયેલા લોકોના જણાવ્યા મુજબ, ખાણનો મોટો હિસ્સો ધરાશાયી થતાં અનેક મજૂરો કાટમાળ નીચે દટાયા છે.
અનેક મજૂરો લાપતા, બચાવ કામગીરી પડકારજનક
સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, ખાણ ધસી પડ્યા બાદ ઘણા મજૂરોનો હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી. કેટલાક લોકો જમીનની અંદર જીવતા ફસાયેલા હોવાની આશંકા છે. સ્થાનિક લોકો સામાન્ય સાધનોની મદદથી બચાવ કામગીરી કરી રહ્યા છે, પરંતુ રેતાળ અને નબળી જમીનને કારણે રાહતકાર્યમાં ભારે મુશ્કેલી પડી રહી છે.
પ્રશિક્ષિત બચાવદળ હજુ પહોંચ્યું નથી
અલ-જારા ખાણની આસપાસ આવેલી અનેક ખનન સુરંગો પણ ધરાશાયી થઈ છે. જૂથે દાવો કર્યો છે કે 70થી વધુ નાના પાયે ખનન કરતા મજૂરોનાં મોત થયા છે અથવા તેઓ લાપતા છે. અત્યાર સુધી કોઈ વિશેષ પ્રશિક્ષિત બચાવદળ ઘટના સ્થળે પહોંચ્યું ન હોવાનું પણ સામે આવ્યું છે.
RSFના નિયંત્રણવાળા વિસ્તારમાં દુર્ઘટના
દુર્ઘટના સ્થળ સુદાનના અર્ધસૈનિક સંગઠન રેપિડ સપોર્ટ ફોર્સિસ એટલે કે RSFના નિયંત્રણવાળા વિસ્તારમાં આવેલું છે. RSF અને સુદાનની સેના વચ્ચે 3 વર્ષથી વધુ સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. આ સંઘર્ષને કારણે દૂરના વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી વધુ મુશ્કેલ બની છે.
સુરક્ષા સાધનોના અભાવે જોખમ વધ્યું
સ્થાનિક સૂત્રોએ ખાણમાં સુરક્ષા નિયમો અને બચાવ સાધનોની અછતને મોટી જાનહાનિનું કારણ ગણાવ્યું છે. સુદાન આફ્રિકાના મોટા સોનું ઉત્પાદક દેશોમાં સામેલ છે, પરંતુ અહીં મોટા પ્રમાણમાં સોનું અસંગઠિત અને જોખમી નાના પાયાના ખનનથી મેળવવામાં આવે છે. સ્થાનિક અધિકાર જૂથના જણાવ્યા મુજબ, ખનનથી મળતું સોનું મોટા પાયે તસ્કરી મારફતે દેશની બહાર મોકલવામાં આવે છે.
આ પણ વાંચો : Sandesh Digital Explainer : EPFમાં મોટો ફેરફાર, તમારી ટેક-હોમ સેલરીનું શું થશે? સમજો, નવું ગણિત