અમરેકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ભારે આયાત ટેરિફ મુદ્દે હવે આખી દુનિયાની નજર US સુપ્રીમ કોર્ટ પર છે. શુક્રવાર, 9 જાન્યુઆરીને સુપ્રીમ કોર્ટે “Opinion Day” તરીકે નિર્ધારિત કર્યો છે, જેમાં અનેક મહત્વપૂર્ણ કેસો પર ચુકાદા જાહેર થવાના છે. આમાં સૌથી વધુ ચર્ચામાં રહેલો કેસ ટ્રમ્પના ટેરિફનો છે.


આ કાયદાનો કર્યો ઉપયોગ

ટ્રમ્પે 1977ના International Emergency Economic Powers Act (IEEPA) નો ઉપયોગ કરીને અનેક દેશો પર 10 થી 50 ટકા સુધીના ટેરિફ લાદ્યા હતા. તેમના કહેવા મુજબ, વેપાર અસંતુલન, રાષ્ટ્રીય સુરક્ષા અને ફેન્ટાનાઇલ જેવી ડ્રગ્સની હેરફેર અટકાવવા માટે આ પગલાં જરૂરી હતા. જોકે, નીચલી અદાલતોએ ટ્રમ્પના આ નિર્ણયને કાયદાકીય સત્તાની હદ બહાર ગણાવ્યો હતો.

નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટમાં

આ મામલો નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુનાવણી દરમિયાન કન્ઝર્વેટિવ અને લિબરલ બંને પ્રકારના ન્યાયાધીશોએ સવાલ ઉઠાવ્યા હતા કે શું 1977નો કટોકટી કાયદો એટલા મોટા અને સમગ્ર અર્થતંત્રને અસર કરતા વેપાર પગલાં માટે બનાવવામાં આવ્યો હતો કે નહીં. આથી એવું માનવામાં આવે છે કે ટ્રમ્પ માટે આ કેસ મુશ્કેલ બની શકે છે.

ભારત માટે ખાસ છે ચુકાદો

ભારત માટે આ ચુકાદો ખાસ મહત્વનો છે. હાલ ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર અંગે ચર્ચા ચાલી રહી છે. ટ્રમ્પ સરકારે ભારતીય નિકાસ પર કુલ 50% ટેરિફ લાદ્યો છે, જેમાં રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ વધારાનો 25% ટેરિફ પણ સામેલ છે. ટ્રમ્પે તાજેતરમાં ચેતવણી પણ આપી હતી કે જો ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ નહીં કરે તો ટેરિફમાં વધુ વધારો થશે.

જો સુપ્રીમ કોર્ટ ટેરિફને ગેરકાયદેસર ઠેરવે તો

જો સુપ્રીમ કોર્ટ ટ્રમ્પના ટેરિફને ગેરકાયદેસર ઠેરવે છે, તો ભારતને મોટી રાહત મળી શકે છે અને વેપાર સોદાની દિશામાં વાતચીત સરળ બની શકે છે. બીજી તરફ, જો કોર્ટ ટ્રમ્પના પક્ષમાં ચુકાદો આપે છે, તો ભારત સહિત અનેક દેશો પર વેપાર દબાણ વધવાની શક્યતા છે. આ કારણે 9 જાન્યુઆરીનો દિવસ માત્ર અમેરિકાની રાજનીતિ માટે નહીં, પરંતુ વૈશ્વિક વેપાર માટે પણ ખૂબ નિર્ણાયક સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો ; 'ભારત વેનેઝુએલા અંગે ચિંતિત', માદુરો વિરુદ્ધ Americaની કાર્યવાહી પર જયશંકરનો સ્પષ્ટ જવાબ


  • Follow us on: