જાપાનમાં રવિવારે યોજાયેલી સંસદીય ચૂંટણીમાં વડા પ્રધાન સનાઈ તાકાઈચીના નેતૃત્વમાં લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP) એ અભૂતપૂર્વ અને ઐતિહાસિક વિજય હાંસલ કર્યો છે. જાપાનના જાહેર પ્રસારણકર્તા NHK ના અહેવાલ મુજબ, 465 સભ્યોના નીચલા ગૃહમાં LDP એ એકલા હાથે 316 બેઠકો જીતી છે. આ આંકડો બે તૃતીયાંશ કરતા પણ વધુ છે, જે તાકાઈચીને 'સુપરમેજોરિટી' પ્રદાન કરે છે. 1955 માં પાર્ટીની સ્થાપના પછીનો આ સૌથી મોટો વિજય છે, જેણે 1986 માં યાસુહિરો નાકાસોને સ્થાપિત કરેલો 300 બેઠકોનો રેકોર્ડ તોડી નાખ્યો છે.


વિજયી હુંકાર અને નીતિઓ

પોતાની જીત બાદ તાકાઈચીએ મજબૂત અને સમૃદ્ધ જાપાન બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે તેઓ પોતાની નીતિઓમાં લવચીક રહેશે અને રાષ્ટ્રના હિત માટે વિરોધ પક્ષોનો સહકાર લેવામાં પણ અચકાશે નહીં. ઓક્ટોબર 2025 માં જાપાનના પ્રથમ મહિલા વડા પ્રધાન બનેલા તાકાઈચી ખાસ કરીને યુવાનોમાં અત્યંત લોકપ્રિય છે. તેમની 'મજબૂત નેતા' તરીકેની છબીએ જાપાનના રાજકારણમાં નવો પ્રાણ ફૂંક્યો છે. ચૂંટણીમાં LDP એ જાપાન ઇનોવેશન પાર્ટી (JIP) સાથે ગઠબંધન કર્યું હતું, જેણે કુલ મળીને 352 બેઠકો મેળવી છે.

પ્રતિકૂળ હવામાનમાં લોકશાહીનો ઉત્સવ

નોંધનીય છે કે ચૂંટણીના દિવસે જાપાનના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થઈ હતી, જેના કારણે રસ્તાઓ બંધ થયા હતા અને જનજીવન પ્રભાવિત થયું હતું. આમ છતાં, જાપાની મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને રેકોર્ડ મતદાન થયું. લોકોએ તાકાઈચીના મજબૂત નેતૃત્વ પર ભરોસો મૂકીને તેમને 2028 સુધી કોઈપણ અડચણ વગર શાસન કરવાનો જનાદેશ આપ્યો છે.

પીએમ મોદીના અભિનંદન

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઐતિહાસિક જીત બદલ સનાઈ તાકાઈચીને સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત-જાપાનની વિશેષ વ્યૂહાત્મક ભાગીદારી વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે નિર્ણાયક સાબિત થશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ તેમને આ જીત માટે શુભેચ્છા પાઠવી હતી.

ટ્રમ્પે અભિનંદન આપ્યા

અમેરિકી રાષ્ટ્રપતિએ જાપાનના વડા પ્રધાન સના તાકાચીને ચૂંટણીમાં વિજય બદલ અભિનંદન આપ્યા અને તેમને વ્હાઇટ હાઉસ આવવાનું આમંત્રણ આપ્યું. તાકાચીએ ટ્રમ્પના આમંત્રણનો સ્વીકાર કર્યો અને બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે અમેરિકા સાથે નજીકથી કામ કરવાનું વચન આપ્યું.

ઇટાલીના પીએમએ અભિનંદન આપ્યા

ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયો મેલોનીએ જાપાનના પીએમ સના તાકાચીને ચૂંટણીમાં વિજય બદલ અભિનંદન આપ્યા. મેલોનીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું, "ચૂંટણીમાં તેમની નોંધપાત્ર સફળતા બદલ વડા પ્રધાન તાકાચીને હાર્દિક અભિનંદન." તેણીએ ઉમેર્યું, "આપણા દેશો એક ઊંડી મિત્રતા અને વ્યૂહાત્મક ભાગીદારી દ્વારા જોડાયેલા છે જે આપણી સરકારો વચ્ચે વર્ષોથી બનેલા સાચા વિશ્વાસ અને રચનાત્મક સહયોગને કારણે વધુ મજબૂત બની રહી છે."

આ પણ વાંચોઃ India-Canadaના સંબંધોની નવી શરૂઆત! સુરક્ષા અને સહયોગ પર વાગી સંયુક્ત મહોર


  • Follow us on: