ભારત અને અમેરિકા વચ્ચે આજથી દિલ્હીમાં વેપાર વાર્તા શરૂ થશે. ગયા મહિને અમેરિકા દ્વારા ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યા બાદ પહેલી વાર બંને દેશો વચ્ચે આમને-સામને વેપાર વાર્તા થઇ રહી છે. જેના માટે અમેરિકાનુ પ્રતિનિધિ દળ સોમવાર રાત્રે ભારત પહોંચી ચૂક્યુ છે.તે જ સમયે, રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે જો વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવે છે, તો શું અમેરિકા ભારત પર લાદવામાં આવેલ ટેરિફ ઘટાડશે?


ભારતની ટેરિફ ઘટાડવાની માગ

આપને જણાવી દઇએ કે અમેરિકાના પ્રતિનિધિ દળનું નેતૃત્વ યુએસ ચીફ નેગોશિયેટર બ્રેન્ડન લિંચ કરી રહ્યા છે અને ભારત તરફથી નાણાં વિભાગના સ્પેશિયલ સેક્રેટરી રાજેશ અગ્રવાલ વાતચીત કરશે. અમેરિકા ઇચ્છે છે કે ભારત કૃષિ અને ડેરી માર્કેટ ખોલે, પરંતુ ભારતે વાતને નકારી છે અને માંગણી કરી છે કે ભારતને ટૅરિફમાં છૂટ આપવામાં આવે અને એક સ્થાયી વેપાર માળખું ઉભું કરવામાં આવે. જણાવી દઈએ કે અમેરિકાના પ્રતિનિધિ દળના ભારત પ્રવાસનો ઉદ્દેશ વેપાર સંબંધો વધુ ઉંડા બનાવવા, રોકાણ વાતાવરણ સુધારવું અને વેપાર ઘાટાને સંતુલિત કરવાનો છે. આ દરમિયાન ટેરિફ ઘટાડવા અંગે પણ ચર્ચા થશે.

નવેમ્બર સુધી થઈ શકે વેપાર વાર્તા

મળતી માહિતી પ્રમાણે ભારતના વાણિજ્ય મંત્રાલયે સંકેત આપ્યો છે કે ઓક્ટોબર-નવેમ્બર સુધીમાં ભારત અને અમેરિકા વચ્ચે પ્રારંભિક વેપાર કરાર થઈ શકે છે.કે બ્રેન્ડન લિંચ દક્ષિણ અને મધ્ય એશિયામાં વેપાર ચર્ચાઓ માટે અમેરિકાના આસિસ્ટન્ટ ટ્રેડ પ્રતિનિધિ તરીકે નિમાયા છે. દક્ષિણ અને મધ્ય એશિયાના આશરે 15 દેશો સાથે અમેરિકાની ટ્રેડ ડીલ કરવી અને અમલમાં મૂકવી એ તેમની જવાબદારી છે. તે જ હેઠળ તેઓ યુએસ-ઇન્ડિયા ટ્રેડ પૉલિસી ફોરમ (TPF) સંભાળી રહ્યા છે. ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટ ફ્રેમવર્ક એગ્રિમેન્ટ્સ (TIFAs) હેઠળ ભારત સાથે અમેરિકાની તરફથી સહયોગ કરી રહ્યા છે.

થઇ ચૂકી છે 5 વખત વેપાર વાર્તા

ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) માટે માર્ચ 2025થી ઓગસ્ટ 2025 વચ્ચે 5 વખતની ચર્ચાઓ થઈ ચૂકી છે. ઓગસ્ટ 2025માં છઠ્ઠો રાઉન્ડ થવાનું હતું, પણ 50 ટકા ટૅરિફ વિવાદને કારણે ચર્ચા મુલતવી રાખવામાં આવી હતી. ભારતના મુખ્ય વાટાઘાટ કર્તા અને વાણિજ્ય મંત્રાલયના વિશેષ સચિવ રાજેશ અગ્રવાલનુ કહેવુ છે કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર ચર્ચાઓ ચાલી રહી છે, પણ આજે થનારી ચર્ચા છઠ્ઠો રાઉન્ડ નથી, પરંતુ વેપારિક ચર્ચા છે, જેનો ઉદ્દેશ કરાર સુધી પહોંચવાનો રહેશે. વેપાર કરાર માટે વાતચીત માટે અનુકૂળ અને સામાન્ય વાતાવરણ બનાવવાનો પ્રયાસ રહેશે.

  • Follow us on: