વિજ્ઞાન અને ટેક્નોલોજીની દુનિયામાં દરરોજ અવનવા પ્રયોગો થતા રહે છે, પરંતુ હવે જે કલ્પના પર કામ થઈ રહ્યું છે તે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. સમુદ્રના મોજાંઓ વચ્ચે એક એવું વિશાળકાય શહેર બનાવવાની તૈયારી ચાલી રહી છે જે સતત તરતું રહેશે. આ અનોખા પ્રોજેક્ટનું નામ છે 'ફ્રીડમ શિપ' (Freedom Ship). આ કોઈ સામાન્ય ક્રૂઝ શિપ નથી, પરંતુ દુનિયાની પહેલી 'ફ્લોટિંગ સિટી' એટલે કે તરતું શહેર હશે.


કોનો છે આ અનોખો આઈડિયા?

આ અદ્ભુત પ્રોજેક્ટ અમેરિકાના ફ્લોરિડામાં રહેતા ઉદ્યોગપતિ રોઝર એમ. ગૂચનો છે. જોકે, 1990ના દાયકામાં એન્જિનિયર નોર્મન નિક્સને પણ આવું જ એક સપનું જોયું હતું. હવે આ પ્રોજેક્ટને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને તેનું નિર્માણ ઇન્ડોનેશિયામાં પ્રસ્તાવિત છે. આ વિશાળ શિપ દર બે-ત્રણ વર્ષમાં સમગ્ર પૃથ્વીની એક પ્રદક્ષિણા કરી લેશે.

એક સાથે રહેશે 80 હજાર લોકો

ફ્રીડમ શિપની સૌથી મોટી ખાસિયત તેની ક્ષમતા છે. આ તરતા શહેરમાં આશરે 80,000 લોકો એકસાથે રહી શકશે. જેમાં કાયમી રહેવાસીઓ, કર્મચારીઓ અને પ્રવાસીઓનો સમાવેશ થાય છે. આ શિપને સંપૂર્ણપણે આત્મનિર્ભર બનાવવાની યોજના છે, જેથી લોકોને નાની-મોટી જરૂરિયાતો માટે વારંવાર જમીન પર આવવું ન પડે.

શહેવી સુવિધાઓ સમુદ્રની વચ્ચે

આ ફ્લોટિંગ સિટીમાં આધુનિક જીવન જીવવા માટેની તમામ સગવડો હશે. અહીં વૈભવી એપાર્ટમેન્ટ્સ, હોટેલ્સ, ઓફિસો અને મોલ હશે. બાળકોના અભ્યાસ માટે સ્કૂલ અને બીમાર લોકોની સારવાર માટે આધુનિક હોસ્પિટલ પણ હશે. આ સિવાય મનોરંજન માટે કસિનો, સ્ટેડિયમ, પાર્ક, જિમ અને સ્વિમિંગ પૂલ જેવી વ્યવસ્થાઓ હશે. એટલું જ નહીં, શિપ પર નાના એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર લેન્ડ થઈ શકે તેવો હેલીપેડ એરિયા પણ બનાવવામાં આવી શકે છે.

પડકારો પણ છે મોટા

આ પ્રોજેક્ટ જેટલો આકર્ષક છે, એટલો જ પડકારજનક પણ છે. આ શિપને બનાવવા માટે અંદાજે 15 થી 16 અબજ ડોલરનો જંગી ખર્ચ થવાનો અંદાજ છે. આ સિવાય સમુદ્રના ભયાનક તોફાનો વચ્ચે હજારો લોકોની સુરક્ષા, કચરાનો નિકાલ, વીજળી અને પીવાના પાણીની વ્યવસ્થા કરવી એ મોટી ચેલેન્જ છે. પર્યાવરણને નુકસાન ન થાય તે માટે સોલાર એનર્જી અને વોટર રિસાયકલિંગ જેવી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

આ પણ વાંચો:California: અમેરિકાનું આ શહેર છે ઈરાની જાસૂસોનો ગઢ? અનેક લોકોની સંડોવણી આવી સામે

  • Follow us on: