IT દિગ્ગજ કંપની માઇક્રોસોફ્ટે પાકિસ્તાનમાંથી પોતાનો કારોબાર સમેટી લીધો હોવાની માહિતી સામે આવી છે. જો કે કોઇ સત્તાવાર રીતે આ અંગે કંપનીએ કોઇ નિવેદન આપ્યું નથી. પરંતુ પાકિસ્તાનમાં આ કંપનીના કાર્યકારી અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી છે.
માઇક્રોસોફ્ટે સમેટ્યો કારોબાર
જવાદ રહમાને પોતાની લિંકડિન પોસ્ટમાં કહ્યું કે આજે મને ખબર પડી કે માઇક્રોસોફ્ટે પાકિસ્તાનમાં સત્તાવાર રીતે તેની કામગીરી બંધ કરી રહી છે. બાકીના થોડા કર્મચારીઓને ઔપચારિક રીતે જાણ કરવામાં આવી છે. બસ આ રીતે એક યુગનો અંત આવ્યો છે. જેમાં કંપનીએ પાકિસ્તાનના ડિજિટલ લેન્ડસ્કેપમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. મહત્વનું છે કે જવાદ રહેમાને પહેલીવાર દેશમાં માઇક્રોસોફ્ટની હાજરી સ્થાપિત કરી હતી
કારોબાર બંધ કરવાનું શું કારણ ?
આ અંગે માઇક્રોસોફ્ટે સાર્વજનિક રીતે કોઇ કારણો જણાવ્યા નથી. પરંતુ આ નિર્ણયનું કારણ પાકિસ્તાનના બગડેલા સંબંધો, આર્થિક માહોલ અને રાજકીય માહોલ જવાબદાર ગણાવાઇ રહ્યા છે. એટલે કે પાકિસ્તાનની આર્થિક સ્થિતિને કારણે કંપનીએ પોતાનો કારોબાર સમેટવાનો નિર્ણય લીધો છે. એક્સપર્ટ કહે છે કે સતત શાસન પરિવર્તન, વધારે ટેક્સ. કરન્સીમાં ઉતાર ચઢાવ અને ટેક્નોલોજી ઇમ્પોર્ટમાં વધતા પડકારો વિદેશી કંપની માટે પડકારજનક સાબિત થયા .
નાણાકીય વર્ષમાં પાકિસ્તાનનો વેપાર ખોટ 24.4બિલિયન અમેરિકી ડોલર સુધી વધી ગઇ હતી જ્યારે વિદેશી મુદ્રા ભંડાર જૂન 2025 સુધી ઘટીને માત્ર 11.5 બિલિયન અમેરિકી ડોલર થઇ હતી. આટલી ઓછી વિદેશી મુદ્રા સાથે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખરાબ થઇ ગઇ છે. કોઇ પણ રીતે ટેક્નોલોજી આયાત કરવી તે એક આર્થિક સંકટનું કારણ બની શકે છે. માઇક્રોસોફ્ટના આ પગલાથી દેશમાં રોકાણનો ડર પણ ઉભો થયો. હવે કોઇ પણ કંપની અહીં કારોબાર સ્થાપિત કરતા પહેલા સો વખત વિચાર કરશે.

આ અંગે પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. આરિફ અલ્વીએ કહ્યું કે માઇક્રોસોફ્ટનું દેશમાંથી બહાર નીકળવુ તે દેશના આર્થિક ભવિષ્ય માટે ચિંતા જનક છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું કે પાકિસ્તાનમાં વધતી જતી બેરોજગારી અને પ્રતિભા પલાયન પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે પાકિસ્તાન હવે અનિશ્ચિતતાના વમળમાં ફસાઈ રહ્યું છે. આર્થિક સુધારા એક દૂરના અને અગમ્ય સ્વપ્ન જેવા લાગે છે.













