વૈજ્ઞાનિકોએ માનવજાતમાં એક તદ્દન નવા રક્ત જૂથની ઓળખ કરી છે, જેને 'JAMA' નામ આપવામાં આવ્યું છે. સામાન્ય રીતે આપણે બ્લડ ગ્રૂપ તરીકે A, B, AB અને O વિશે જ સાંભળતા આવ્યા છીએ, પરંતુ માનવ રક્તની જટિલતા આ ચાર જૂથો સુધી મર્યાદિત નથી. ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ બ્લડ ટ્રાન્સફ્યુઝન (ISBT) દ્વારા આ નવા રક્ત જૂથને અધિકૃત રીતે 49મા રક્ત જૂથ પ્રણાલી તરીકે માન્યતા આપવામાં આવી છે, જે રક્તદાન અને દર્દીઓની સારવારમાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.
ઇઝરાયલની સંયુક્ત વૈજ્ઞાનિક ટીમ દ્વારા કરાઇ શોધ
આ અદ્ભુત શોધની શરૂઆત બ્રિટન અને ઇઝરાયલની સંયુક્ત વૈજ્ઞાનિક ટીમ દ્વારા કરવામાં આવી હતી. ઇઝરાયલની એક મહિલા દર્દી અને તેના ભાઈ પર કરવામાં આવેલા રક્ત પરીક્ષણો દરમિયાન આ રહસ્ય બહાર આવ્યું. મહિલાના શરીરમાં એક વિશિષ્ટ એન્ટિબોડી જોવા મળી જે મોટાભાગના સામાન્ય લોકોના લાલ રક્તકણો સાથે પ્રતિક્રિયા કરતી હતી, પરંતુ તે મહિલા અને તેના ભાઈના સેમ્પલ સાથે પ્રતિક્રિયા ન આપી. આ અસામાન્ય બાબતની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે વૈજ્ઞાનિકોએ તેમના ડીએનએ (DNA) નું આનુવંશિક પરીક્ષણ કર્યું, જેમાં F11R નામના જનીનમાં ચોક્કસ પરિવર્તન જોવા મળ્યું. આ જનીન શરીરમાં JAM-A નામના પ્રોટીનના ઉત્પાદનમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
