અત્યાર સુધી આપણે સાયન્સ ફિક્શન અને એક્શન ફિલ્મોમાં રોબોટ્સને કાર ઉપાડતા, દરવાજા તોડતા કે શક્તિશાળી લડાઈઓ લડતા જોયા છે. પરંતુ હવે આ કાલ્પનિક દ્રશ્યો વાસ્તવિકતામાં બદલાઈ રહ્યા છે. ચીનની પ્રખ્યાત રોબોટિક્સ કંપની 'યુનિટ્રી' (Unitree Robotics) એ એક એવો ગાર્ડિયન રોબોટ તૈયાર કર્યો છે, જેનો આશ્ચર્યજનક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ રોબોટના અકલ્પનીય પરાક્રમો જોઈને ટેકનોલોજીના નિષ્ણાતો પણ દંગ રહી ગયા છે.
વાયરલ વિડીયોમાં જોવા મળ્યા રુવાડાં ઊભા કરી દે તેવા સ્ટંટ
ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહેલા આ વિડીયોમાં રોબોટ એક સાચા એક્શન હીરોની જેમ કામ કરતો દેખાઈ રહ્યો છે. એક દ્રશ્યમાં, તે કારમાં ફસાયેલા માણસને બચાવવા માટે ક્ષણભરમાં કારનો મજબૂત દરવાજો તોડી નાખે છે, તો બીજા દ્રશ્યમાં તે આખી કારને જમીન પરથી ઊંચકી લે છે. આ ઉપરાંત, એક ક્લિપમાં તે છરી વડે હુમલો કરવા આવતા શખ્સને હવામાં પછાડીને છોકરીનો જીવ બચાવે છે, જ્યારે અન્ય દ્રશ્યમાં સામેથી આવતા વાહન આગળથી વ્યક્તિને ખેંચીને તેનો અકસ્માત થતાં અટકાવે છે.
