હાલમાં જ્યારે યુરોપ અને ખાસ કરીને બ્રિટન ભીષણ હીટવેવનો સામનો કરી રહ્યા છે, ત્યારે 40 ડિગ્રી તાપમાન પણ ત્યાં રસ્તાઓ માટે આફત બની ગયું છે. યુકેમાં રસ્તાઓ પીગળી રહ્યા હોવાના દ્રશ્યોએ વિશ્વભરના લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે, કારણ કે ભારતમાં 45 થી 50 ડિગ્રી તાપમાન હોવા છતાં રસ્તાઓ પીગળવાની સમસ્યા જોવા મળતી નથી. આ તફાવત પાછળનું મુખ્ય કારણ રસ્તા બનાવવા માટે વપરાતી સામગ્રી, ખાસ કરીને 'બિટ્યુમેન' (ડામર) ની ગુણવત્તા અને એન્જિનિયરિંગ છે.


આ કારણે પીગળે છે ડામર

બ્રિટન અને અન્ય યુરોપિયન દેશો મુખ્યત્વે ઠંડા પ્રદેશો છે, જ્યાં વર્ષના મોટાભાગના દિવસોમાં તાપમાન શૂન્યની નીચે હોય છે અને ભારે બરફવર્ષા થાય છે. ત્યાં રસ્તાઓ ઠંડીમાં તિરાડ ન પડે કે બરડ (brittle) ન થઈ જાય, તે માટે 'નરમ ગ્રેડ'ના બિટ્યુમેનનો ઉપયોગ કરવામાં આવે છે. આ નરમ બિટ્યુમેન રસ્તાઓને અત્યંત ઠંડીમાં પણ લવચીક રાખે છે. જોકે, જ્યારે અચાનક ગ્લોબલ વોર્મિંગને કારણે તાપમાન ૪૦ ડિગ્રી સુધી પહોંચે છે, ત્યારે આ જ નરમ બિટ્યુમેન પીગળવા લાગે છે, જેનાથી રસ્તાઓ નરમ પડી જાય છે અને ટ્રાફિકને કારણે તેમાંથી ડામર વહેવા લાગે છે.

ભારતમાં પરિસ્થિતિ વિદેશ કરતા સાવ અલગ

બીજી તરફ, ભારતમાં પરિસ્થિતિ સાવ અલગ છે. અહીં રસ્તાના બાંધકામમાં 'વિસ્કોસિટી-ગ્રેડેડ' (VG-30 અથવા VG-40) બિટ્યુમેનનો ઉપયોગ થાય છે. આ એક અત્યંત કઠિન અને ઉચ્ચ સ્નિગ્ધતા ધરાવતું બાઈન્ડર છે, જે ખાસ કરીને ભારતના પ્રચંડ ઉનાળા અને ભારે ગરમીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. આ સામગ્રી રસ્તાઓને ઊંચા તાપમાનમાં પણ સખત રાખે છે અને ભારે વાહનોના વજન (એક્સલ લોડ) હેઠળ રસ્તાઓને દબાઈ કે નરમ પડતા અટકાવે છે.

યુકે અને ભારતમાં વપરાતી ટેકનોલોજી સાવ અલગ 

આમ, યુકેમાં વપરાતી ટેકનોલોજી ત્યાંની ઠંડી આબોહવાને અનુરૂપ છે, જે અચાનક આવેલી ગરમી સામે ટકી શકતી નથી. જ્યારે ભારતનું રોડ એન્જિનિયરિંગ ભારે ગરમી સહન કરવા માટે વિકસાવવામાં આવ્યું છે. કુદરત જ્યારે તેના સામાન્ય તાપમાનના ચક્રથી બહાર જાય છે, ત્યારે આ પ્રકારના માળખાકીય પડકારો ઉભા થાય છે, જે સ્પષ્ટ કરે છે કે બાંધકામની ટેકનોલોજી હંમેશા સ્થાનિક આબોહવા મુજબ જ હોવી જોઈએ. આજના બદલાતા પર્યાવરણ અને ગ્લોબલ વોર્મિંગના સમયમાં, હવે યુરોપિયન દેશોએ પણ તેમના રસ્તાના બાંધકામના ધોરણોમાં ફેરફાર કરવો પડે તેવી શક્યતા છે.

આ પણ વાંચોઃ US ના રાષ્ટ્રપતિ બન્યા હવે વધુ તાકાતવર, 91 વર્ષ જૂનો કાયદો બદલાયો, જાણો કેમ?

  • Follow us on: