યુએસ સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પક્ષમાં એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા રાષ્ટ્રપતિની કારોબારી સત્તાઓને અભૂતપૂર્વ રીતે વિસ્તૃત કરી છે. આ નિર્ણય સાથે, હવે અમેરિકી રાષ્ટ્રપતિ ફેડરલ ટ્રેડ કમિશન (FTC) જેવી સ્વતંત્ર સરકારી એજન્સીઓના સભ્યોને માત્ર નીતિગત મતભેદોના આધારે પણ પદ પરથી દૂર કરી શકશે. આ ચુકાદાએ 91 વર્ષ જૂની કાનૂની જોગવાઈને પલટી નાખી છે, જે અત્યાર સુધી આવા અધિકારીઓને રાજકીય હસ્તક્ષેપથી સુરક્ષિત રાખતી હતી.


એજન્સીઓના વડાઓ પર નિયંત્રણ રાખવાનો હક

આ કેસમાં કોર્ટે 6-3ની બહુમતીથી નિર્ણય આપ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ જોન રોબર્ટ્સે તેમના મંતવ્યમાં સ્પષ્ટ કર્યું કે FTC જેવી એજન્સીઓ રાષ્ટ્રના અર્થતંત્રને અસર કરતા મહત્વના કાયદાઓનો અમલ કરે છે, જે કારોબારી શાખાનો ભાગ છે. તેથી, રાષ્ટ્રપતિ પાસે આ એજન્સીઓના વડાઓ પર નિયંત્રણ રાખવાનો અને તેમને દૂર કરવાનો અધિકાર હોવો જોઈએ. આ નિર્ણય સાથે, 1935ના "હમ્ફ્રીસ, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વિરુદ્ધ યુનાઇટેડ સ્ટેટ્સ" ના ઐતિહાસિક ચુકાદાને ઉથલાવી દેવામાં આવ્યો છે, જેણે દાયકાઓ સુધી સ્વતંત્ર કમિશનરોને રાજકીય સુરક્ષા પૂરી પાડી હતી.

મોટી કાયદાકીય જીતઃ ડોનાલ્ડ ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પે આને પોતાની એક મોટી કાનૂની અને બંધારણીય જીત ગણાવી છે. ટ્રમ્પના મતે, આ નિર્ણય બંધારણની કલમ ૨ હેઠળ રાષ્ટ્રપતિની વાસ્તવિક સત્તાઓને પુનઃસ્થાપિત કરે છે. બીજી તરફ, કોર્ટના ત્રણ ઉદારવાદી ન્યાયાધીશોએ આ નિર્ણય પર આકરા પ્રહાર કર્યા છે. ન્યાયાધીશ સોનિયા સોટોમાયોરે ચેતવણી આપી હતી કે આ પગલું સરકારની અંદર સત્તાના સંતુલનને ખોરવી શકે છે અને રાષ્ટ્રપતિને અત્યંત શક્તિશાળી બનાવી શકે છે, જે સ્વતંત્ર સંસ્થાઓની સ્વાયત્તતા પર જોખમ ઊભું કરે છે. જે કમિશનરોને દૂર કરવામાં આવ્યા છે, તેમણે પણ આ નિર્ણયને નિરાશાજનક ગણાવી કોંગ્રેસની ભૂમિકા નબળી પડી હોવાની ચિંતા વ્યક્ત કરી છે.

રાજકારણમાં એક નવો વળાંક 

જોકે, સુપ્રીમ કોર્ટે એક મહત્વની મર્યાદા પણ નક્કી કરી છે. આ ચુકાદો યુએસ સેન્ટ્રલ બેંક એટલે કે 'ફેડરલ રિઝર્વ' પર લાગુ થશે નહીં. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ફેડરલ રિઝર્વની સ્વતંત્રતા જળવાઈ રહેશે અને તે આ નવા નિર્ણયના દાયરાની બહાર રહેશે. ફેડરલ રિઝર્વના ગવર્નરને દૂર કરવાના ટ્રમ્પના પ્રયાસને કોર્ટે ફગાવીને આ સંસ્થાની સ્વાયત્તતા પર મહોર મારી છે. આ ચુકાદો યુએસ રાજકારણમાં સત્તાના સંઘર્ષને એક નવા વળાંક પર લઈ આવ્યો છે, જેની લાંબા ગાળાની અસરો અમેરિકન વહીવટીતંત્ર પર જોવા મળશે.

આ પણ વાંચોઃ Ukraine પર રશિયાનો ભીષણ હુમલો, 12ના મોત, 40થી વધુ લોકો ગંભીર

  • Follow us on: