પશ્ચિમ એશિયામાં ઈરાન, અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલો તણાવ ચાર મહિનાથી વધુ સમયથી યથાવત છે અને હાલમાં સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. બંને પક્ષો વચ્ચે તણાવ ઘટવાના કોઈ સંકેતો દેખાતા નથી, જેને ધ્યાનમાં રાખીને અમેરિકાએ તેના 50,000 સૈનિકોને એલર્ટ પર રાખ્યા છે. વધતી જતી અસ્થિરતાને જોતા ભારતે પણ તેના નાગરિકો માટે સુરક્ષા અંગે સલાહકાર (એડવાઈઝરી) જારી કરી છે.

ઇઝરાયલની ઇરાનને સ્પષ્ટ ચેતવણી

ઈઝરાયલી સૈન્ય દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે તેઓ ઈરાન સાથેની દુશ્મનાવટ ફરીથી શરૂ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ઈઝરાયલી આર્મી ચીફ ઓફ સ્ટાફ, લેફ્ટનન્ટ જનરલ એયાલ ઝમીરે જણાવ્યું હતું કે, "અમે કોઈપણ ક્ષણે કાર્યવાહી કરવા માટે તૈયાર છીએ." તાજેતરમાં, લાંબા સમય બાદ ઈઝરાયલમાં સાયરનનો અવાજ સંભળાયો હતો, જેણે નાગરિકોની ચિંતામાં વધારો કર્યો છે. ઈઝરાયલનું માનવું છે કે ઈરાન હવે સીધા હુમલાને બદલે અમેરિકાના સાથી આરબ દેશોને નિશાન બનાવીને પ્રદેશમાં અસ્થિરતા ફેલાવી રહ્યું છે.

બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ

આ સંઘર્ષની સૌથી વધુ અસર પાડોશી દેશો પર જોવા મળી રહી છે. જોર્ડનની સેનાએ જણાવ્યું છે કે તેણે ઈરાન દ્વારા છોડવામાં આવેલી ઘણી મિસાઈલોને સરહદ પર જ તોડી પાડી છે. ઈઝરાયલે ચેતવણી આપી છે કે જોર્ડન તરફ છોડવામાં આવેલી આ મિસાઈલો પ્રાદેશિક સુરક્ષા માટે મોટો ખતરો છે અને તે કોઈપણ સમયે યુદ્ધમાં પરિણમી શકે છે.

ઇરાનના પાડોશી દેશો બન્યા સતર્ક

ઈરાનના પાડોશી દેશો હવે રક્ષણાત્મક મોડમાં આવી ગયા છે. બહેરીન, જોર્ડન અને કુવૈતે તેમની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓને સક્રિય કરી દીધી છે. બહેરીનમાં અમેરિકી દૂતાવાસે રાજધાની મનામામાં સંભવિત હુમલા અંગે ચેતવણી આપી છે. બીજી તરફ, કુવૈતની સ્થિતિ પણ તણાવપૂર્ણ છે, જ્યાં છેલ્લા બે દિવસમાં પાવર અને વોટર પ્લાન્ટ પર બે વાર હુમલા થયા છે. જોકે સરકારે જણાવ્યું છે કે પાવર ગ્રીડ હાલમાં સ્થિર છે, પરંતુ ડિસેલિનેશન પ્લાન્ટ્સ પર થતા હુમલાઓ દેશ માટે ચિંતાનો વિષય છે, કારણ કે કુવૈતનો 90% પીવાના પાણીનો પુરવઠો આ પ્લાન્ટ્સ પર નિર્ભર છે.

આ પણ વાંચોઃ US Iran War: તેહરાન દ્વારા યુએસ-ઈરાન સમજૂતી કરારને નકારવાના નિર્ણય પર ડોનાલ્ડ ટ્રમ્પે પ્રતિક્રિયા આપી, જાણો શુ કહ્યુ?