અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના 2020ની ચૂંટણી સંબંધિત દાવાને લઈને અમેરિકી સરકારની અંદર શરૂ થયેલી તપાસ હવે ચર્ચામાં છે. રોઇટર્સના તપાસ અહેવાલ મુજબ, જૂન 2025માં અમેરિકી સરકારી કમ્પ્યુટર નિષ્ણાતોની એક ટીમે પ્યુઅર્ટો રિકોમાં એક વોટિંગ મશીનની તપાસ શરૂ કરી હતી. આ મશીનનો ઉપયોગ 2024ની પ્યુઅર્ટો રિકો ચૂંટણીમાં થયો હતો. તપાસનો હેતુ મશીનમાંથી એવો પુરાવો શોધવાનો હતો કે જેના આધારે 2020ની અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિદેશી હસ્તક્ષેપ અથવા મતમાં છેડછાડના દાવાને સાબિત કરી શકાય. આ તપાસ પાછળ વકીલ કર્ટ ઓલ્સન મહત્વની ભૂમિકામાં હતા. તેઓ લાંબા સમયથી ટ્રમ્પના 2020ની ચૂંટણી અંગેના દાવાઓને સમર્થન આપતા રહ્યા છે.

પ્યુઅર્ટો રિકોથી જ્યોર્જિયા-એરિઝોના સુધી તપાસ

રોઇટર્સના જણાવ્યા પ્રમાણે એક વોટિંગ મશીનની તપાસથી શરૂ થયેલું કામ આગળ વધીને અમેરિકાની અનેક સરકારી એજન્સીઓ સુધી પહોંચ્યું. તેમાં રાષ્ટ્રીય ગુપ્તચર નિર્દેશકનું કાર્યાલય, ન્યાય વિભાગ, હોમલેન્ડ સિક્યુરિટી અને FBI સામેલ થયા. તપાસનો વિસ્તાર પણ વધ્યો. પ્યુઅર્ટો રિકો બાદ જ્યોર્જિયામાં 2020ની ચૂંટણીના બેલેટ અને એરિઝોનાના મતદાર રેકોર્ડ અંગે પણ તપાસ કરવામાં આવી. રોઇટર્સે બે ડઝનથી વધુ એવા લોકો સાથે વાત કરી હતી, જેમને આ કામગીરી વિશે સીધી અથવા આંતરિક માહિતી હતી. અહેવાલ મુજબ તપાસના બે મુખ્ય હેતુ હતા—2020ની ચૂંટણીમાં છેડછાડ થઈ હોવાનો પુરાવો શોધવો અને તેના આધારે અમેરિકાની ચૂંટણી વ્યવસ્થામાં મોટા ફેરફાર માટે આધાર તૈયાર કરવો.

તપાસમાં છેડછાડનો પુરાવો મળ્યો નહીં

આ આખી તપાસનો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે તપાસમાં વિદેશી તાકાતોએ અમેરિકાની વોટિંગ સિસ્ટમમાં ઘૂસણખોરી કરી હોવાનો કે મશીનોમાં છેડછાડ કરીને 2020ની ચૂંટણીનું પરિણામ બદલ્યું હોવાનો પુરાવો મળ્યો નથી. આ અગાઉ પણ અમેરિકાની અદાલતો, ચૂંટણી અધિકારીઓ, ઓડિટ અને ગુપ્તચર એજન્સીઓએ 2020ની ચૂંટણીમાં મોટા પાયે છેડછાડના દાવાને સમર્થન આપતા પુરાવા સ્વીકાર્યા નહોતા.રોઇટર્સના જણાવ્યા પ્રમાણે ઓલ્સનની તપાસમાં પણ વોટિંગ મશીનો દ્વારા વિદેશી હસ્તક્ષેપ અથવા મત બદલવામાં આવ્યા હોવાના સ્પષ્ટ પુરાવા મળ્યા નથી.

ટ્રમ્પ સરકારમાં ઓલ્સનની ભૂમિકા વધી

કર્ટ ઓલ્સન અગાઉ ટ્રમ્પ સાથે જોડાયેલા કાનૂની પ્રયાસોમાં કામ કરી ચૂક્યા હતા. તેઓ 2020ની ચૂંટણી અંગેના દાવાઓને આગળ વધારતા કાર્યકરો સાથે પણ જોડાયેલા હતા. તેમની ભૂમિકા ધીમે ધીમે વધી અને તેઓ ટ્રમ્પ સરકારમાં ચૂંટણી સુરક્ષા સાથે જોડાયેલી મહત્વની જવાબદારી સુધી પહોંચ્યા. આ દરમિયાન વોટિંગ મશીનો અંગેની તપાસ માટે તેમને સરકારી સંસાધનો અને વિવિધ એજન્સીઓ સુધી પહોંચ મળી.

મિડટર્મ ચૂંટણી પહેલાં ફરી ચર્ચા

અમેરિકામાં નવેમ્બરમાં મિડટર્મ ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં વોટિંગ મશીનો ફરી રાજકીય ચર્ચાના કેન્દ્રમાં આવી શકે છે. કેટલાક ચૂંટણી અધિકારીઓએ ચિંતા વ્યક્ત કરી છે કે મશીનો અથવા ચૂંટણી રેકોર્ડની માંગને લઈને ભવિષ્યમાં ફેડરલ સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે ટકરાવ થઈ શકે છે. કોલોરાડોએ જૂન 2026માં એવો કાયદો પણ પસાર કર્યો હતો, જે ફેડરલ દખલની સ્થિતિમાં ચૂંટણી કટોકટી જાહેર કરવાની મંજૂરી આપે છે. 

વ્હાઇટ હાઉસે રોઇટર્સને કહ્યું કે પ્યુઅર્ટો રિકોની તપાસનો હેતુ 2020ની ચૂંટણીને ફરી તપાસવાનો નહીં, પરંતુ ચૂંટણી મશીનોની સંભવિત ખામીઓ શોધવાનો હતો. જોકે, રોઇટર્સના અહેવાલ મુજબ ઓલ્સનની કામગીરી ધીમે ધીમે 2020ની ચૂંટણીમાં વિદેશી હસ્તક્ષેપના પુરાવા શોધવા તરફ આગળ વધી હતી. 

આ પણ વાંચો: Sandesh Digital Explainer: સ્કૂલોમાં નહીં, રસ્તાઓ પર Gen Z ! ફ્રાન્સમાં મેક્રોં સરકાર સામે વિદ્યાર્થીઓનો ગુસ્સો કેમ ફાટ્યો ?