ઇતિહાસ માત્ર પુસ્તકોમાં જ નથી લખાતો, પણ રસ્તાઓ પર પણ કોતરાયેલો હોય છે. યુએસ અને કેનેડાની સરહદ પર સ્થિત એક 14 કિલોમીટર લાંબો રસ્તો છેલ્લા 80 વર્ષથી બંને દેશોના ખેડૂતો, પરિવારો અને પડોશીઓ માટે માત્ર અવરજવરનું સાધન નહીં, પણ ભાવનાત્મક જોડાણનું પ્રતીક હતો. પરંતુ, આ વર્ષની 1 જુલાઈથી આ ઐતિહાસિક રસ્તો કાયમ માટે બંધ થઈ જશે. સ્થાનિક લોકો માટે આ માત્ર એક રસ્તાનું બંધ થવું નથી, પણ એક આખા "યુગનો અંત" છે.

1 જુલાઇથી કાયમી માટે રસ્તો બંધ થઇ જશે

1940ના દાયકાથી કાર્યરત આ રસ્તો ટેકનિકલી યુએસના મોન્ટાના રાજ્યમાં આવે છે, પણ તેની જાળવણી કેનેડાના આલ્બર્ટાની વોર્નર કાઉન્ટી દ્વારા કરવામાં આવતી હતી. આ રસ્તા પર કોઈ કડક પાબંદીઓ નહોતી. લોકો સાયકલ રેસ લગાવતા, ખેડૂતો ટ્રેક્ટર લઈને એકબીજાના ખેતરે જતા અને પડોશીઓ કોઈ પણ સંકોચ વગર મળતા. મોન્ટાનામાં રહેતા રોજર હોર્ગસ જૂની યાદો તાજી કરતા કહે છે કે, બાળપણમાં અમે નિર્દોષતાથી આ રસ્તો પાર કરતા, જ્યાં સરહદ ક્યારેય દિવાલ જેવી નહોતી લાગી.

કેમ લેવાયો આ નિર્ણય?

યુએસ વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, સુરક્ષાના કારણોસર આ કઠોર નિર્ણય લેવો અનિવાર્ય બન્યો છે. છેલ્લા કેટલાક સમયથી સરહદ પર ગેરકાયદેસર ઇમિગ્રેશન અને ડ્રગ હેરફેરના કિસ્સાઓમાં વધારો થયો છે. રાષ્ટ્રીય સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે આ મુક્ત માર્ગને બંધ કરવો એ વહીવટી જરૂરિયાત બની ગઈ છે. જોકે, આ નિર્ણયથી વાર્ષિક અંદાજે C$15.9 બિલિયનના વેપાર અને દર વર્ષે પસાર થતી 800 થી 1,200 ટ્રકોના આવાગમન પર મોટી અસર પડશે.

નવો રસ્તો અને ભવિષ્યની આશા

લોકોની મુશ્કેલીઓ ધ્યાનમાં રાખીને આલ્બર્ટા સરકારે જૂના રસ્તાની સમાંતર એક નવો રસ્તો બનાવવાની જાહેરાત કરી છે. જેના માટે C$8 મિલિયનનું બજેટ ફાળવવામાં આવ્યું છે. એપ્રિલથી શરૂ થનારું આ બાંધકામ ઉનાળા સુધીમાં પૂર્ણ થશે. નવો રસ્તો કદાચ વાહનોની અવરજવર તો શરૂ કરી દેશે, પણ સ્થાનિક નિવાસી રોસ ફોર્ડ જેવા અનેક લોકોના મનમાં એક ટીસ રહી જશે. તેઓ માને છે કે નવો રસ્તો પથ્થર અને ડામરનો હોઈ શકે, પણ જૂના રસ્તા સાથે જોડાયેલી પડોશીઓની આત્મીયતા અને મુક્ત શ્વાસ લેવાની આઝાદી કદાચ ફરી નહીં મળે.

આ પણ વાંચોઃ US-China-Russia: ત્રણ મહાસત્તાઓના મિલન પર દુનિયાની નજર, એક જ મહિનામાં ટ્રમ્પ અને પુતિન જશે ચીન