2026નો મે મહિનો આંતરરાષ્ટ્રીય રાજકારણના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ શકે તેમ છે. વિશ્વની બે સૌથી મોટી અને પરસ્પર વિરોધી મહાસત્તાઓ અમેરિકા અને રશિયાના નેતાઓ એક જ મહિનામાં ચીનની મુલાકાતે જઈ રહ્યા છે. આ ઘટનાએ સમગ્ર વિશ્વનું ધ્યાન બેઇજિંગ તરફ ખેંચ્યું છે અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની રાજદ્વારી કુશળતાની કસોટી થવા જઈ રહી છે.

ટ્રમ્પની મુલાકાત અને વ્હાઇટ હાઉસનો પ્લાન

વ્હાઇટ હાઉસના સૂત્રોના જણાવ્યા અનુસાર, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 14 થી 15 મે દરમિયાન ચીનની સત્તાવાર મુલાકાત લઈ શકે છે. જોકે, ચીનના વિદેશ મંત્રાલયે હજુ સુધી તારીખોની સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરીય મંત્રણા ચાલુ હોવાનું સ્વીકાર્યું છે. ટ્રમ્પના પુનરાગમન બાદ ચીન સાથેના વેપાર યુદ્ધ અને ટેકનોલોજીના મુદ્દાઓ પર શું વલણ રહેશે, તેના પર આખી દુનિયાની નજર છે.

પુતિનનો ચીન પ્રવાસ: જૂની દોસ્તી અને નવા પડકારો

બીજી તરફ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ મે મહિનામાં જ ચીન પહોંચે તેવી પૂરેપૂરી શક્યતા છે. ક્રેમલિનના સંકેતો મુજબ, 2026 ની શરૂઆતમાં જ આ મુલાકાત નક્કી થઈ ગઈ હતી. 'સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ'ના અહેવાલ મુજબ, પુતિન ટ્રમ્પની મુલાકાત પછી તરત જ બેઇજિંગ ઉતરી શકે છે. યુક્રેન યુદ્ધ બાદ રશિયા અને ચીન વચ્ચેના સંબંધો 'નો લિમિટ્સ' ફ્રેન્ડશિપમાં ફેરવાયા છે, જે અમેરિકા માટે ચિંતાનો વિષય છે.

રાજદ્વારી દ્રષ્ટિએ અસામાન્ય ઘટના

સામાન્ય રીતે અમેરિકા અને રશિયાના નેતાઓ G20 અથવા APEC જેવી આંતરરાષ્ટ્રીય સમિટમાં જ એકસાથે જોવા મળતા હોય છે. પરંતુ, આ વખતે પરિસ્થિતિ અલગ છે. આ કોઈ બહુપક્ષીય સંમેલન નથી, પરંતુ બે અલગ-અલગ દ્વિપક્ષીય મુલાકાતો છે. એક જ દેશમાં, એક જ સમયગાળા દરમિયાન બે કટ્ટર હરીફ દેશોના વડાઓનું આવવું એ ચીન માટે ગૌરવની વાત છે અને તેની વધતી જતી વૈશ્વિક શક્તિનો પુરાવો છે.

ચીન માટે સંતુલન જાળવવાનો પડકાર

શી જિનપિંગ અત્યારે એક કાંટાળા માર્ગ પર ચાલી રહ્યા છે. એક તરફ તેઓ રશિયા સાથેની વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવા માંગે છે, તો બીજી તરફ અમેરિકા સાથેના આર્થિક સંબંધોમાં સ્થિરતા ઈચ્છે છે. જો ચીન આ બંને નેતાઓને યોગ્ય રીતે સાચવી લેશે, તો તે સાબિત થઈ જશે કે હવે વિશ્વનું પલડું વોશિંગ્ટનથી ખસીને બેઇજિંગ તરફ નમી રહ્યું છે. આ મુલાકાતો માત્ર મુલાકાતો નથી, પરંતુ ભવિષ્યના નવા વર્લ્ડ ઓર્ડરનો સંકેત છે. શું ચીન આ બંને વિરોધી શક્તિઓ વચ્ચે સેતુ બની શકશે કે પછી આ મુલાકાતો વધુ તણાવ પેદા કરશે? તે આવનારો સમય જ કહેશે.

આ પણ વાંચોઃ Iran યુદ્ધ હારી રહ્યું છે? કે સત્ય બીજું છે? અમેરિકા શાંતિ માગે છે ઈરાન નહીં