ઈરાન અને અમેરિકા વચ્ચેનો સંઘર્ષ કોઈ નવી બાબત નથી, પરંતુ તાજેતરમાં જે રીતે શબ્દયુદ્ધ અને ધમકીઓ સામે આવી છે તે સ્થિતિને વધુ ખતરનાક બનાવે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના નેતૃત્વ સામે સંભવિત લશ્કરી કાર્યવાહીની ચેતવણી આપી હતી. તેના જવાબમાં ઈરાનની સરકારી ટેલિવિઝન ચેનલ પર ટ્રમ્પ સામે જાનથી મારી નાખવાની ધમકી દર્શાવતું ફૂટેજ પ્રસારિત કરવામાં આવ્યું.

ટ્રમ્પ પર થયેલા ઘાતક હુમલાનો ઉલ્લેખ

આ ફૂટેજમાં 2024માં અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યના બટલર શહેરમાં યોજાયેલી ચૂંટણી રેલી દરમિયાન ટ્રમ્પ પર થયેલા ઘાતક હુમલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તે હુમલામાં ગોળી ટ્રમ્પના માથાને સ્પર્શતી પસાર થઈ ગઈ હતી અને તેઓ જીવતા બચી ગયા હતા. ફૂટેજમાં ફારસી ભાષામાં લખેલા શબ્દો હતા કે “આ વખતે લક્ષ્ય ચૂકી જશે નહીં”, જે સ્પષ્ટ રીતે ધમકી તરીકે જોવામાં આવી રહ્યા છે.

તાજેતરમાં યોજાયેલા સમારોહ

આ વિડિયો તેહરાનમાં યોજાયેલા એક જાહેર સમારોહ દરમિયાન પ્રસારિત થયો હતો, જ્યાં તાજેતરના વિરોધ પ્રદર્શનો દરમિયાન મૃત્યુ પામેલા ઈરાની સુરક્ષા દળોના 100થી વધુ સભ્યોના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા હતા. ઈરાની અધિકારીઓએ આ સુરક્ષા કર્મચારીઓને “શહીદ” જાહેર કર્યા હતા. સમારોહ દરમિયાન લોકો “અમેરિકા મુક્કો” જેવા સૂત્રો લખેલા બેનરો પકડીને દેખાયા હતા અને અનેક લોકોએ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના ફોટા હાથમાં રાખ્યા હતા.

ફૂટેજમાં શું છે ?

ફૂટેજમાં એક યુવક ટ્રમ્પ દ્વારા ઈરાનને ધમકી આપતું પોસ્ટર પકડીને ઉભેલો જોવા મળે છે. આ પોસ્ટર અને ફૂટેજને ઘણા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો ઉશ્કેરણીજનક ગણાવી રહ્યા છે, કારણ કે તેમાં સીધી રીતે હિંસા તરફ ઈશારો કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે ઈરાન અગાઉ પણ વિદેશમાં હત્યાના કાવતરાઓ સાથે જોડાયેલું રહ્યું છે. જાન્યુઆરી 2020માં અમેરિકાએ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના કુદ્સ ફોર્સના વડા જનરલ કાસિમ સુલેમાનીની હત્યા કર્યા પછી, ઈરાને ટ્રમ્પ સામે બદલો લેવાની વારંવાર પ્રતિજ્ઞા લીધી હતી.

2024માં ટ્રમ્પની હત્યા કરવાના ઇરાદા નિષ્ફળ

અમેરિકાના ન્યાય વિભાગ અનુસાર, વર્ષ 2024માં ટ્રમ્પની હત્યા કરવાના ઈરાન નિર્દેશિત કાવતરાને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. આ કેસમાં ફરહાદ શકેરી નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટના દસ્તાવેજો મુજબ, તેને ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ દ્વારા આ કાર્ય સોંપવામાં આવ્યું હતું.

https://twitter.com/__Injaneb96/status/2011457330576318944

અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ

આ સમગ્ર ઘટનાક્રમ દર્શાવે છે કે અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ માત્ર રાજકીય સ્તરે સીમિત નથી રહ્યો, પરંતુ તે હવે સીધી ધમકીઓ અને માનસિક યુદ્ધ સુધી પહોંચી ગયો છે. આવનારા સમયમાં આ તણાવ આંતરરાષ્ટ્રીય સ્થિરતા માટે કેટલી મોટી પડકારરૂપ બનશે, તે પર દુનિયાભરની નજર છે.

આ પણ વાંચો : કોણ છે અલી લારીજાની? જેના કારણે Iran પર અમેરિકી હુમલો અટકી ગયો