અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં NBA ચેમ્પિયનશિપમાં ન્યૂયોર્ક નિક્સની શાનદાર જીતની ઉજવણી ટૂંક સમયમાં જ અંધાધૂંધી અને ગભરાટમાં ફેરવાઈ ગઈ હતી. ગુરુવારે બપોરે ટાઇમ્સ સ્ક્વેર વિસ્તારમાં થયેલા ગોળીબારની ઘટનાને પગલે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે હજારોની સંખ્યામાં લોકો મેનહટનની શેરીઓમાં પોતાની ટીમની જીતની ખુશી મનાવવા એકત્ર થયા હતા.
કેવી રીતે બની ફાયરિંગની ઘટના?
સ્થાનિક સમય મુજબ બપોરે 3.40 વાગ્યાની આસપાસ જ્યારે લોકો ઉત્સાહમાં હતા, ત્યારે અચાનક ગોળીબારનો અવાજ ગુંજતા વાતાવરણમાં તણાવ ફેલાઈ ગયો હતો. ન્યૂયોર્ક પોલીસ વિભાગ (NYPD) દ્વારા આ કાર્યક્રમ માટે સુરક્ષાના કડક બંદોબસ્ત હેઠળ 10,000 પોલીસ અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા, તેમ છતાં આ ઘટના બની હતી. ન્યૂયોર્ક ફાયર ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, ગોળીબારમાં એક વ્યક્તિ ઘાયલ થયો છે, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
અંધાધૂંધી અને નાસભાગ
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, ગોળીબાર થતા જ ટાઇમ્સ સ્ક્વેરમાં હાજર પ્રવાસીઓ અને સ્થાનિક રહેવાસીઓ જીવ બચાવવા માટે આમ-તેમ દોડવા લાગ્યા હતા. પોલીસ અધિકારીઓ જે તે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હોવાથી તેમણે ત્વરિત કાર્યવાહી કરી હતી અને શંકાસ્પદ વ્યક્તિને તાત્કાલિક પકડી પાડ્યો હતો. પાર્ક કરેલા પોલીસ વાહનની નજીક જ ગોળીબાર થતા લોકોમાં ભારે આક્રોશ અને ડર જોવા મળ્યો હતો.
સળંગ બીજી ઘટના
આ પહેલીવાર નથી કે જ્યારે ન્યૂયોર્ક નિક્સની જીતની ઉજવણી દરમિયાન હિંસા થઈ હોય. આ ઘટનાના માત્ર થોડા દિવસો પહેલા જ, ૧૬ જૂને પણ ટાઇમ્સ સ્ક્વેરમાં ગોળીબારની ઘટના બની હતી. તે સમયે ૫૩ વર્ષના લાંબા અંતરાલ બાદ ન્યૂયોર્ક નિક્સની જીત થતાં ભીડ ઉમટી પડી હતી, જેમાં ૧૭ વર્ષનો એક કિશોર ઘાયલ થયો હતો. તે વખતે પોલીસની હાજરીમાં જ બંદૂક જપ્ત કરવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા.
ન્યૂયોર્કની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો
સળંગ બનેલી આ ઘટનાઓએ ન્યૂયોર્કની સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલો ઉભા કર્યા છે. NBA ચેમ્પિયનશિપની ઉજવણી જેવી ખુશીની પળોમાં વારંવાર બનતા ગોળીબારના બનાવોએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા જગાવી છે. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે વધુ કડક પગલાં લેવાની તૈયારી કરી રહી છે.
આ પણ વાંચોઃ US Israel: "અમારા પૈસાથી શસ્ત્રો અને અમારી જ ટીકા?",ઈઝરાયલ સામે અમેરિકાનો આક્રમક સૂર