અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના વર્તમાન યુદ્ધવિરામ (સીઝફાયર)ને લંબાવવાનો નિર્ણય લીધો છે. તેમણે જણાવ્યું કે પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ આસિમ મુનીર અને વડાપ્રધાન શહબાઝ શરીફની અપીલ પર હુમલા હાલ પૂરતા રોકી દેવામાં આવ્યા છે, જેથી ઈરાન સરકાર સર્વસંમતિથી પ્રસ્તાવ રજૂ કરી શકે.


અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે મોટો નિર્ણય લીધો છે. તેમણે ઈરાન સાથે ચાલી રહેલા સીઝફાયરને લંબાવવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે આ પગલું ઈરાનને વાતચીત માટે સંયુક્ત પ્રસ્તાવ તૈયાર કરવા માટે વધારાનો સમય આપવાના ઉદ્દેશ્યથી ઉઠાવ્યું છે. આ અંગેની જાણકારી ટ્રમ્પે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર આપી હતી.

તેમણે કહ્યું છે કે આ નિર્ણય પાકિસ્તાનના સેના પ્રમુખ આસિમ મુનીર અને પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફની વિનંતી બાદ લેવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું કે ઈરાની સરકાર "ગંભીર રીતે વિભાજિત" જણાય છે અને તેને સ્પષ્ટ વલણ અપનાવવા માટે સમયની જરૂર છે.

ઈરાનને પ્રસ્તાવ તૈયાર કરવા સમય આપ્યો

ટ્રમ્પે તેમની પોસ્ટમાં લખ્યું, "ઈરાની સરકાર આ સમયે ગંભીર રીતે વેરવિખેર છે, જે અણધારી નથી. પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ આસિમ મુનીર અને વડાપ્રધાન શહબાઝ શરીફની વિનંતી પર, અમને ઈરાન પર હુમલો અટકાવવા માટે કહેવામાં આવ્યું છે, જેથી તેમના નેતાઓ અને પ્રતિનિધિઓ એક સંયુક્ત પ્રસ્તાવ તૈયાર કરી શકે."

હોર્મુઝ પર નાકાબંધી જારી રહેશે

રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું મેં મારી સેનાને નાકાબંધી ચાલુ રાખવા અને અન્ય તમામ બાબતોમાં તૈયાર રહેવા નિર્દેશ આપ્યો છે. આથી સીઝફાયરને ત્યાં સુધી લંબાવવામાં આવશે જ્યાં સુધી તેમનો પ્રસ્તાવ રજૂ કરવામાં ન આવે અને વાતચીત કોઈ નિષ્કર્ષ પર ન પહોંચે."

બંને દેશો વચ્ચે તણાવ યથાવત

આ મહિનાની શરૂઆતમાં રાજદ્વારી વાતચીતને તક આપવા માટે આ સીઝફાયર લાગુ કરવામાં આવ્યું હતું. જોકે, બંને દેશો વચ્ચે વિશ્વાસના અભાવને કારણે આ સમજૂતી હજુ પણ નાજુક સ્થિતિમાં છે અને ગમે ત્યારે તણાવ વધી શકે છે.આ દરમિયાન, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સનો પાકિસ્તાન પ્રવાસ પણ હાલ પૂરતો ટાળી દેવામાં આવ્યો છે. આ પ્રવાસ ઈરાન સાથે બીજા રાઉન્ડની વાતચીત માટે પ્રસ્તાવિત હતો, પરંતુ તેહરાન તરફથી અમેરિકી પ્રસ્તાવો પર કોઈ પ્રતિસાદ ન મળવાને કારણે તેને સ્થગિત કરવામાં આવ્યો છે.

સીઝફાયર વધારવા પર ઈરાનની પ્રતિક્રિયા

બીજી તરફ, ઈરાને હજુ સુધી એ સ્પષ્ટ કર્યું નથી કે તે અમેરિકા સાથે ફરીથી વાતચીત શરૂ કરશે કે નહીં. આ દરમિયાન ઈરાની સંસદના અધ્યક્ષના સલાહકારે ટ્રમ્પ દ્વારા સીઝફાયર લંબાવવા પર તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ટ્રમ્પ દ્વારા સીઝફાયરનું વિસ્તરણ ચોક્કસપણે અચાનક હુમલા માટે વધુ સમય મેળવવાની એક સુનિયોજિત રણનીતિ છે.બંદરોની નાકાબંધી ચાલુ રહેવા અંગે બોલતા તેમણે કહ્યું કે નાકાબંધી ચાલુ રાખવી એ બોમ્બમારો કરવાથી ઓછી નથી અને તેનો લશ્કરી જવાબ આપવો જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે ટ્રમ્પ દ્વારા સીઝફાયરનું વિસ્તરણ નિરર્થક છે, કારણ કે હારેલો પક્ષ શરતો લાદી શકતો નથી. ઈરાને એમ પણ કહ્યું કે ટ્રમ્પનું સીઝફાયર એક ચાલ છે.

8 એપ્રિલે બે અઠવાડિયાનું સીઝફાયર લાગુ થયું હતું

ટ્રમ્પનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે ફેબ્રુઆરીના અંતમાં શરૂ થયેલા અમેરિકા-ઈરાન સંઘર્ષ બાદ પાકિસ્તાનની મધ્યસ્થતાથી 8 એપ્રિલે બે અઠવાડિયાનું સીઝફાયર લાગુ કરવામાં આવ્યું હતું. આ સીઝફાયર 22 એપ્રિલે પૂર્ણ થવાનું હતું. બીજી તરફ પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં પ્રસ્તાવિત શાંતિ વાટાઘાટોને લઈને પણ અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે.

આ પણ વાંચો: Donald Trump: સીઝફાયર માટે પાકિસ્તાને ટ્રમ્પને કેવી રીતે મનાવ્યા?શું છે ઈરાનની શરત?

  • Follow us on: