અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયર (યુદ્ધવિરામ) ફરી એકવાર લંબાવવામાં આવ્યો છે. યુદ્ધવિરામ પૂરો થવામાં ગણતરીના કલાકો જ બાકી હતા, તે પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેને આગળ વધારવાનો નિર્ણય લીધો હતો. ટ્રમ્પે જણાવ્યું હતું કે, તેઓ પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર અને પીએમ શાહબાઝ શરીફના કહેવાથી સીઝફાયર લંબાવી રહ્યા છે.
પાકિસ્તાનની મધ્યસ્થતા
પાકિસ્તાન બંને દેશો વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યું છે. શાહબાઝ શરીફ અને અસીમ મુનીરે ટ્રમ્પને વિનંતી કરી હતી કે તેઓ અત્યારે ઈરાન પર હુમલો ન કરે. આ અપીલ બાદ ટ્રમ્પે પોતાનો નિર્ણય બદલી નાખ્યો અને જ્યાં સુધી ઈરાન શાંતિ માટે કોઈ નક્કર પ્રસ્તાવ રજૂ ન કરે ત્યાં સુધી સીઝફાયર લંબાવ્યું છે. પાકિસ્તાને આ માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર માન્યો હતો.
ઈરાની બંદરોની નાકાબંધી યથાવત
ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ઈરાન વાતચીત માટે સંયુક્ત પ્રસ્તાવ સાથે સામે નહીં આવે ત્યાં સુધી અમેરિકા હુમલો કરશે નહીં. જોકે, હુમલા રોકવા છતાં ઈરાની બંદરોની અમેરિકી નાકાબંધી ચાલુ રહેશે. ટ્રમ્પનું માનવું છે કે ઈરાન સરકાર અત્યારે નબળી સ્થિતિમાં છે અને આ નબળાઈને કારણે તે સમજૂતી માટે ઝૂકી શકે છે.
હારનાર પક્ષ શરતો ન લાદી શકે: ઈરાન
બીજી તરફ, ઈરાને ટ્રમ્પના આ નિર્ણયને એક 'ચાલ' ગણાવી છે. ઈરાનનું કહેવું છે કે હારનાર પક્ષ શરતો લાદી શકે નહીં.આ ટ્રમ્પની અચાનક હુમલો કરવાની રણનીતિ હોઈ શકે છે.IRGC (ઈરાની સેના) એ જણાવ્યું કે વાતચીત માત્ર અમારી શરતો પર જ થશે, કારણ કે અમે જીત તરફ છીએ.
આજે પૂરો થવાનો હતો સીઝફાયર
ઈરાન અને અમેરિકા વચ્ચે 8 એપ્રિલે બે અઠવાડિયાનો યુદ્ધવિરામ લાગુ કરવામાં આવ્યો હતો, જે 22 એપ્રિલે પૂરો થવાનો હતો. જોકે, બીજા રાઉન્ડની વાટાઘાટો ક્યાં થશે તે અંગે હજુ અનિશ્ચિતતા છે. અગાઉ એવી અપેક્ષા હતી કે આ બેઠક ઈસ્લામાબાદમાં થશે, પરંતુ બંને દેશોના પ્રતિનિધિમંડળ હજુ ત્યાં પહોંચ્યા નથી.
શાહબાઝ શરીફે માન્યો આભાર
પાકિસ્તાની પીએમ શાહબાઝ શરીફે ટ્રમ્પનો આભાર માનતા કહ્યું કે, "ટ્રમ્પે અમારી વિનંતી સ્વીકારી છે. આશા છે કે પાકિસ્તાનમાં ટૂંક સમયમાં શાંતિ વાટાઘાટો થશે અને સંઘર્ષનો અંત આવશે."
આ પણ વાંચો: Tariff Refund : ટ્રમ્પ ટેરિફની રિફંડ વિન્ડો ખુલી, ભારતને કેટલા પૈસા મળશે પરત?