યુએસ સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ સંબંધિત નિર્ણયને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે ગયા મહિને આ ટેરિફને રદ કરતા સરકારને અત્યાર સુધી વસૂલ કરાયેલા ટેક્સ પરત આપવા આદેશ આપ્યો હતો. આ મુજબ 20 એપ્રિલ 2026થી રિફંડ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને અંદાજે 166 અબજ ડોલર પરત કરવામાં આવશે.
અમેરિકી સરકારે ક્લેમ પ્રક્રિયા શરૂ કરી
મળતી માહિતી મુજબ ઈન્ટરનેશનલ ઈમરજન્સી ઈકોનોમિક પાવર્સ એક્ટ હેઠળ વસૂલાયેલા ટેરિફ માટે હવે અમેરિકી સરકારે આયાતકારો માટે ક્લેમ પ્રક્રિયા શરૂ કરી છે. લગભગ 3.3 લાખ અમેરિકી બિઝનેસોએ 5.3 કરોડથી વધુ શિપમેન્ટ પર આ ચાર્જ ચૂકવ્યો હતો, જે હવે રિફંડ માટે પાત્ર છે. જોકે, રિફંડ આપમેળે મળશે નહીં અને કંપનીઓએ અરજી કરવી પડશે. મંજૂરી મળ્યા બાદ 60થી 90 દિવસમાં ચૂકવણી શરૂ થવાની શક્યતા છે.
ભારતને 10થી 12 અબજ ડોલર સુધીનો લાભ મળી શકે
આ રિફંડનો સીધો લાભ સામાન્ય ગ્રાહકોને નહીં મળે, કારણ કે આ રકમ માત્ર આયાતકાર કંપનીઓને જ પરત આપવામાં આવશે. તેમ છતાં કંપનીઓ આ નાણાંનો ઉપયોગ પોતાની નાણાકીય સ્થિતિ સુધારવા માટે કરી શકે છે. ભારત માટે આ નિર્ણય મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. અંદાજ મુજબ, ભારતીય નિકાસકારોને 10થી 12 અબજ ડોલર સુધીનો લાભ મળી શકે છે. જોકે, આ રકમ સીધી ભારતીય એક્સપોર્ટર્સને નહીં મળે. નિયમો મુજબ રિફંડનો ક્લેમ માત્ર અમેરિકી આયાતકારો જ કરી શકે છે.
જેથી ભારતીય કંપનીઓએ તેમના અમેરિકન બાયર્સ સાથે સમજૂતી કરીને જ આ લાભ મેળવી શકશે. ખાસ કરીને ટેક્સટાઈલ, એન્જિનિયરિંગ ગુડ્સ અને કેમિકલ્સ સેક્ટરને આથી ફાયદો થવાની સંભાવના છે. જોકે, નવી નીતિ હેઠળ તમામ આયાત પર 10% ટેરિફ લાગુ કરાતા આ ફાયદો મર્યાદિત થઈ શકે છે.
આ પણ વાંચો : Iran Israel US War Dictionary: આ 10 શબ્દોમાં છુપાઇ છે ઈરાન અને અમેરિકા યુદ્ધની રણનીતિ, જાણો