પાકિસ્તાનમાં ઈરાન અને અમેરિકા વચ્ચે પીસ ડીલ (શાંતિ સમજૂતી)ને લઈને બીજા રાઉન્ડની બેઠક યોજાવા જઈ રહી છે. જો બધું યોજના મુજબ ચાલશે તો આ બેઠકમાં બંને દેશો વચ્ચે સમજૂતી પર સહમતી બની શકે છે. આ માટે એક પ્રસ્તાવ તૈયાર કરાયો છે. આ પ્રસ્તાવનું માનીએ તો, આ વખતે અમેરિકાની સરખામણીએ ઈરાનનો પક્ષ વધુ મજબૂત દેખાય છે. જોકે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નિવેદનમાં કહ્યું છે કે તેઓ ૨૦૧૫માં ઓબામા શાસન દરમિયાન થયેલી સમજૂતી કરતા પણ વધુ સારી સમજૂતી કરશે.


20 વર્ષ અમેરિકા-ઈરાનનું યુદ્ધ થશે નહીં

અમેરિકી આઉટલેટ 'એક્સિયોસ'ના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનની મદદથી જે પ્રસ્તાવ તૈયાર થયો છે, તેમાં ઈરાન સાથે ૨૦ વર્ષ માટે યુદ્ધવિરામની વાત કહેવામાં આવી છે. એટલે કે આગામી ૨૦ વર્ષ સુધી ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ થશે નહીં. આ સમયગાળા દરમિયાન ઈરાન પરમાણુ હથિયાર બનાવવાનો પ્રયાસ પણ નહીં કરે. ઈરાન આ મર્યાદાને ૧૦ વર્ષ સુધી રાખવાની કોશિશ કરી રહ્યું છે. અગાઉ ઓબામા સાથે થયેલી સમજૂતીમાં આ સમયમર્યાદા ૧૫ વર્ષની હતી.

પીસ ડીલનો નવો પ્રસ્તાવ શું છે?

  • ૨૦ વર્ષનો પ્રતિબંધ: ઈરાન ૨૦ વર્ષ સુધી યુરેનિયમ સંવર્ધનનું કામ નહીં કરે. આ દરમિયાન ઈરાન પર અમેરિકાનો કોઈ હુમલો થશે નહીં. ૨૦૧૫ની સમજૂતીમાં આ મર્યાદા ૧૫ વર્ષની હતી.
  • ભંડોળ અનફ્રીઝ કરવું: અમેરિકા ઈરાનના ૨૦૦ અબજ ડોલરની રકમ અનફ્રીઝ કરશે (મુક્ત કરશે). ઈરાનની માંગ છે કે સમજૂતીના તરત જ બાદ ૨૭ અબજ ડોલર મુક્ત કરવામાં આવે, જેનો ઉપયોગ રાહત અને બચાવ કામગીરી માટે કરી શકાય.
  • યુરેનિયમનો ઉપયોગ: અત્યાર સુધી અમેરિકા ઈરાનને કોઈપણ પ્રકારનું યુરેનિયમ રાખવાની મંજૂરી આપતું નહોતું, પરંતુ નવા પ્રસ્તાવ મુજબ ઈરાન પોતાની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે યુરેનિયમનો ઉપયોગ કરી શકે છે.
  • અસ્પષ્ટ મુદ્દાઓ: બે બાબતો પર હજુ સ્થિતિ સ્પષ્ટ નથી. પ્રથમ, હોર્મુઝ સ્ટ્રેટમાં કાયમી 'ટોલ બૂથ' બનશે કે નહીં અને બીજું, યુરેનિયમનો નાશ અમેરિકામાં થશે કે ઈરાનમાં. ઈરાન ઈચ્છે છે કે યુરેનિયમને તેની પોતાની ધરતી પર જ પાતળું (Dilute) કરવામાં આવે.

આ પ્રપોઝલ કોના માટે ફાયદાકારક?

ઈરાન તરફથી પીસ ડીલનું નેતૃત્વ કરી રહેલા મોહમ્મદ બાઘેર ગાલિબફનું કહેવું છે કે, "અમેરિકા આ સમજૂતીને પોતાની જીત તરીકે દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ અમે તેમના બહેકાવવામાં આવવાના નથી. અમારા પર કોઈ દબાણ નથી. અમે ઈરાનના હિતમાં હશે તેવી જ સમજૂતી કરીશું."

ટ્રમ્પ તાત્કાલિક જીત ઈચ્છે છે

'ન્યૂયોર્ક ટાઈમ્સ'ના રિપોર્ટ મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પ તાત્કાલિક જીત ઈચ્છે છે, જ્યારે ઈરાનની નજર લોન્ગ ટર્મ વિનિંગ ફોર્મ્યુલા સેટ કરવા પર છે. ઈરાન લિબિયાના ઉદાહરણ પરથી શીખ લઈ રહ્યું છે. લિબિયાના નેતા મુઅમ્મર ગદ્દાફીએ ૨૦૦૩માં અમેરિકા સાથે યુરેનિયમ બાબતે સમજૂતી કરી હતી, પરંતુ ૨૦૧૧ આવતા સુધીમાં અમેરિકાએ દગો કર્યો અને લિબિયામાં ગદ્દાફીની હત્યા થઈ ગઈ હતી. ઈરાન આવી કોઈ ભૂલ કરવા માંગતું નથી.

આ પણ વાંચો: Hitler:જર્મન સરમુખત્યાર હિટલરે કેમ કરી આત્મહત્યા? મૃત્યુના ૨૪ કલાક પહેલા કર્યા હતા લગ્ન

  • Follow us on: