જર્મનીના સરમુખત્યાર એડોલ્ફ હિટલરની વાર્તા જેટલી રસપ્રદ છે એટલી જ ક્રૂર પણ છે. હિટલરે જ્યારે નક્કી કરી લીધું કે તેને બીજા દિવસે મરવાનું છે, ત્યારે તેણે પોતાના મૃત્યુના માત્ર ૨૪ કલાક પહેલા લગ્ન કર્યા હતા. તેને લાખો યહૂદીઓની ક્રૂર હત્યા અને બીજા વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ માનવામાં આવે છે. હિટલરે ૩૦ એપ્રિલ ૧૯૪૫ના રોજ બર્લિનના ફ્યુહરર બંકરમાં આત્મહત્યા કરી હતી, જ્યારે સોવિયેત સેનાએ બર્લિનને ચારે બાજુથી ઘેરી લીધું હતું.
હિટલરે કેમ કરી આત્મહત્યા?
જ્યારે હિટલરને અહેસાસ થયો કે આ યુદ્ધમાં જર્મનીની હાર નિશ્ચિત છે, ત્યારે તેણે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો. દુશ્મનોના હાથે પકડાઈને અપમાનિત થવા કરતા તેણે મૃત્યુને વહાલું કરવું વધુ યોગ્ય સમજ્યું. ૨૦ એપ્રિલ ૧૮૮૯ના રોજ જન્મેલા હિટલરે ૩૦ એપ્રિલ ૧૯૪૫ના રોજ સાયનાઈડ કેપ્સ્યુલ ખાઈને અને માથામાં ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. તેની સાથે તેની પત્ની એવા બ્રોને પણ ઝેર ખાઈને જીવ આપ્યો. બાદમાં બંનેના મૃતદેહોને બંકરની બહાર ગાર્ડનમાં પેટ્રોલ છાંટીને સળગાવી દેવામાં આવ્યા હતા.
બર્લિનની લડાઈમાં ઘેરાયેલું જર્મની
એપ્રિલ ૧૯૪૫માં જર્મન સેના સંપૂર્ણપણે પરાજયના આરે હતી. હિટલરે ૨૮-૨૯ એપ્રિલની રાત્રે પોતાની વસિયત લખી હતી, જેમાં તેણે જર્મનીના લોકોના વખાણ કર્યા અને યહૂદીઓને યુદ્ધ માટે જવાબદાર ઠેરવ્યા. આત્મહત્યાના ૨૪ કલાક પહેલા ૨૯ એપ્રિલે તેણે એવા બ્રોન સાથે લગ્ન કર્યા હતા.
હિટલરની જીવનગાથા
હિટલરનો જન્મ ઓસ્ટ્રિયામાં થયો હતો. તે બાળપણમાં આર્ટ એકેડમીમાં જવા માંગતો હતો પરંતુ બે વાર નિષ્ફળ રહ્યો. તેણે પોસ્ટકાર્ડ વેચીને પણ ગુજરાન ચલાવ્યું હતું. પ્રથમ વિશ્વયુદ્ધમાં તે જર્મન સેનામાં જોડાયો અને બહાદુરી માટે તેને 'આયર્ન ક્રોસ' મળ્યો. યુદ્ધ પછીની વર્સાયની સંધિને તે જર્મનીનું અપમાન માનતો હતો.
કેવી રીતે બન્યો સરમુખત્યાર?
૧૯૧૯માં તે જર્મન વર્કર્સ પાર્ટીમાં જોડાયો, જે બાદમાં નાઝી પાર્ટી બની. ૧૯૩૩માં તે જર્મનીનો ચાન્સેલર બન્યો અને ૧૯૩૪માં રાષ્ટ્રપતિ હિન્ડનબર્ગના અવસાન પછી તેણે પોતાને 'ફ્યુહરર' (સર્વોચ્ચ નેતા) જાહેર કરી લોકશાહીનો અંત આણ્યો.
ક્રૂરતા અને ખૌફનો પર્યાય
હિટલરના શાસન દરમિયાન અંદાજે ૬૦ લાખ યહૂદીઓની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. તેમને ગેસ ચેમ્બરમાં નાખીને કે ભૂખ્યા રાખીને મારી નાખવામાં આવતા. બીજા વિશ્વયુદ્ધમાં કુલ મળીને ૫-૬ કરોડ લોકોએ જીવ ગુમાવ્યા હતા. હિટલરની નસ્લી શ્રેષ્ઠતાની વિચારધારાએ આખા યુરોપમાં આતંક ફેલાવ્યો હતો.
રસપ્રદ તથ્યો
હિટલર શુદ્ધ શાકાહારી હતો અને તેને કૂતરા પાળવાનો શોખ હતો,તે ડ્રગ્સ (એમ્ફેટામાઈન)નો વ્યસની બની ગયો હતો,તેણે મરતા પહેલા પોતાના પાલતુ કૂતરાને પણ ઝેર આપીને મારી નાખ્યો હતો, હિટલરના મૃત્યુના સાત દિવસ બાદ જર્મનીએ શરણાગતિ સ્વીકારી હતી.
હિટલર જેલ કેમ ગયો હતો?
૧૯૨૩માં હિટલરે મ્યુનિખમાં સરકાર ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, જેને 'બીયર હોલ પુશ' કહેવામાં આવે છે. આ બળવા બદલ તેને રાજદ્રોહના ગુનામાં ૫ વર્ષની સજા થઈ હતી, પરંતુ નરમ નીતિઓના કારણે તેણે જેલમાં માત્ર ૯ મહિના વિતાવ્યા. જેલવાસ દરમિયાન જ તેણે પોતાનું પુસ્તક 'મેઈન કામ્ફ' (મારો સંઘર્ષ) લખ્યું હતું.
આ પણ વાંચો:Indian Tradition: સરકારી ખુરશી પર સફેદ ટુવાલ કેમ? જાણો તેની પાછળનું રસપ્રદ કારણ!