શું આપણું મગજ ભવિષ્ય જોઈ શકે છે? શું ઊંઘતી વખતે મગજ આપણને આવનારી બીમારી કે મુસીબત વિશે ચેતવણી આપી શકે છે? આ સવાલો ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે એડલાઇન નામની મહિલાની સત્ય ઘટના પરનો એક અહેવાલ સામે આવ્યો છે.જે અનુસાર વર્ષ 2011માં એડલાઇનને એક સપનું આવ્યું હતું જેમાં તેની મૃત માતાએ તેને વહેલી તકે ડોક્ટર પાસે ચેકઅપ કરાવવાની સલાહ આપી. એડલાઇને આ સપનાને ગંભીરતાથી લીધું અને તપાસ કરાવતા ખબર પડી કે તેને પ્રથમ સ્ટેજનું કેન્સર છે. સમયસર સારવાર મળતા આજે તે જીવિત છે.


સપના પાછળનું રહસ્ય

હજારો વર્ષોથી મિસર, ગ્રીસ અને બેબીલોન જેવી સંસ્કૃતિઓમાં સપનાને ભગવાનનો સંદેશ અથવા ભવિષ્યના સંકેત માનવામાં આવે છે. આદિવાસી સમાજોમાં સપનાને પૂર્વજો સાથેના સંપર્કનું માધ્યમ ગણાય છે. વિજ્ઞાનીઓ કહે છે કે સપના જોવું એ મગજની સામાન્ય પ્રક્રિયા છે. જ્યારે આપણે ઊંઘમાં હોઈએ છીએ ત્યારે મગજનો તર્ક વાળો ભાગ શાંત હોય છે, પરંતુ લાગણીઓ સાથે જોડાયેલો ભાગ અત્યંત સક્રિય હોય છે.

શું સપના ઉકેલ લાવે છે?

સંશોધનો મુજબ, સપના ઘણીવાર સમસ્યાઓના ઉકેલમાં મદદરૂપ થાય છે. જે લોકો કોઈ કોયડો ઉકેલતા પહેલા તેના વિશે સપનું જુએ છે, તેઓ તેને વાસ્તવિક જીવનમાં વધુ સારી રીતે ઉકેલી શકે છે. આ જ રીતે, તે વ્યસન છોડવામાં અથવા છૂટાછેડા જેવી માનસિક આઘાતજનક સ્થિતિમાંથી બહાર આવવામાં પણ મદદ કરે છે. મગજ આખા દિવસની માહિતીને પ્રોસેસ કરે છે અને તે દરમિયાન સપના સર્જાય છે.

બીમારીના સંકેત કે માત્ર સંયોગ?

વિજ્ઞાનીઓ માને છે કે સપના ભવિષ્ય નથી જોતા, પરંતુ આપણું અર્ધજાગ્રત મન શરીરની અંદર થતા નાના ફેરફારોને પકડી લે છે અને તેને સપના દ્વારા રજૂ કરે છે. એડલાઇનના કિસ્સામાં પણ કદાચ મગજે શરીરની નબળાઈને પકડી લીધી હતી. જો કે, વારંવાર ડરામણા સપના આવવા એ ડિમેન્શિયા અથવા પાર્કિન્સન જેવી બીમારીના શરૂઆતી સંકેત હોઈ શકે છે તેવું અમુક રિસર્ચ સૂચવે છે. તેથી, જો તમને વારંવાર વિચિત્ર સપના આવતા હોય, તો મેડિટેશન કરવું અને સારી ઊંઘ લેવી હિતાવહ છે.

આ પણ વાંચો: Israel Lebanon War: ઈઝરાયેલનો પ્રચંડ પ્રહાર,હિઝબુલ્લાહના કમાન્ડર સહિત 150થી વધુ આતંકીઓ ઠાર

  • Follow us on: