ઈઝરાયેલ અને લેબનાન વચ્ચે 16-17 એપ્રિલના રોજ યુદ્ધવિરામ (સીઝફાયર) લાગુ થયો તે પહેલાના છેલ્લા 24 કલાકમાં ઈઝરાયેલી સેના (IDF) એ વિનાશક કાર્યવાહી કરી હતી. IDF એ રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપી હતી કે, સીઝફાયર અમલમાં આવે તે પહેલા જ તેમણે હિઝબુલ્લાહના ગઢ ગણાતા બિંત ઝ્બીલ વિસ્તારના ચીફ કમાન્ડર અલી રિદા અબ્બાસ સહિત 150 થી વધુ આતંકીઓને ઠાર કર્યા હતા.
છેલ્લા 24 કલાકમાં મોટી કાર્યવાહી
IDF ના જણાવ્યા અનુસાર, યુદ્ધવિરામ સમજૂતીના પ્રભાવમાં આવવાના બરાબર 24 કલાક પહેલા ઈઝરાયેલે હિઝબુલ્લાહના 300 થી વધુ સૈન્ય મથકોને તોડી પાડ્યા હતા. આ હુમલાઓમાં હિઝબુલ્લાહના રોકેટ લોન્ચર, ડ્રોન (UAV), એન્ટી-ટેન્ક મિસાઈલ પોઈન્ટ્સ અને કમાન્ડ સેન્ટરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. કમાન્ડર અલી રિદા અબ્બાસની મોતને ઈઝરાયેલ માટે મોટી સફળતા માનવામાં આવે છે, કારણ કે તે ઈઝરાયેલ વિરુદ્ધ અનેક હુમલાઓનો માસ્ટરમાઈન્ડ હતો.













