અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના અચાનક અને ચોંકાવનારા નિર્ણયો માટે જાણીતા છે. તાજેતરમાં તેમણે દક્ષિણ કોરિયા સાથેના સંબંધોમાં મોટો ફેરફાર કરતા પેન્ટાગોનને બંને દેશો વચ્ચેની સંયુક્ત લશ્કરી કવાયતોમાં નોંધપાત્ર ઘટાડો કરવાનો આદેશ આપ્યો છે. આ અચાનક લેવાયેલા નિર્ણય પાછળનું મુખ્ય કારણ ઈરાન અને ઉત્તર કોરિયા પ્રત્યે દક્ષિણ કોરિયાનું વલણ હોવાનું જણાવવામાં આવ્યું છે.
શું છે સમગ્ર વિવાદનું કારણ?
ટ્રમ્પના જણાવ્યા અનુસાર, તેમણે તાજેતરમાં દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ સમક્ષ ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના પરમાણુ નિઃશસ્ત્રીકરણ માટે અમેરિકાને સમર્થન આપવા અંગે વાત કરી હતી. પરંતુ સિઓલે આ પ્રસ્તાવને સ્પષ્ટપણે નકારી કાઢ્યો હતો અને ઈરાન મુદ્દે અમેરિકાને સાથ આપવાનો ઇનકાર કર્યો હતો. આ વાતથી નારાજ થઈને ટ્રમ્પે યુદ્ધ સચિવ પીટ હેગસેથને લશ્કરી કવાયતમાં કાપ મૂકવાનો નિર્દેશ આપ્યો છે.
ઉત્તર કોરિયા અંગે ટ્રમ્પનું નિવેદન
સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપતા ટ્રમ્પે જણાવ્યું હતું કે આ અઠવાડિયાથી શરૂ થનારી સંયુક્ત કવાયતો માત્ર અત્યંત ખર્ચાળ જ નથી, પરંતુ તે ઉત્તર કોરિયાને એક ખોટો અને પ્રતિકૂળ સંકેત પણ મોકલે છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમના કાર્યકાળ દરમિયાન ઉત્તર કોરિયાએ ક્યારેય અમેરિકાને ધમકી નથી આપી, પરંતુ હંમેશા આદરપૂર્વક વર્તન કર્યું છે. તેમણે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન સાથેના પોતાના સારા સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો હતો.
અમેરિકી વહીવટીતંત્રના અભિગમમાં પલટો
ટ્રમ્પનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે તેને પરંપરાગત સાથી દેશથી દૂર રહેવાના અને અગાઉના વહીવટીતંત્રો દ્વારા દુશ્મન માનવામાં આવતા દેશોના નેતાઓ પ્રત્યે નરમ વલણ અપનાવવાની મિસાલ તરીકે જોવામાં આવી રહ્યો છે. અગાઉ ટ્રમ્પ પ્રશાસને નાટો સાથીઓની પણ ઈરાન વિરુદ્ધ અપેક્ષિત સમર્થન ન મળવા બદલ ટીકા કરી હતી.
સંયુક્ત કવાયતનો હેતુ અને વિરોધ
વાસ્તવમાં આ 11 દિવસીય સંયુક્ત લશ્કરી કવાયતમાં આશરે 18,000 દક્ષિણ કોરિયન સૈનિકો ભાગ લેવાના હતા. આ જોડાણનો મુખ્ય હેતુ ઉત્તર કોરિયાના સંભવિત ખતરા સામે બંને દેશોની લશ્કરી તૈયારીઓ અને સંયુક્ત ઓપરેશનલ ક્ષમતાઓને મજબૂત કરવાનો હતો. ઉત્તર કોરિયા દ્વારા સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધોને અવગણીને બેલિસ્ટિક મિસાઇલ પરીક્ષણો ફરી શરૂ કર્યાના થોડા દિવસોમાં જ આ કવાયતનું આયોજન થયું હતું.
બીજી બાજુ, ટ્રમ્પના આ નિર્ણયની અમેરિકામાં પણ ટીકા શરૂ થઈ ગઈ છે. ડેમોક્રેટિક સેનેટર માર્ક કેલીએ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે વર્તમાન તણાવ વચ્ચે સંયુક્ત કવાયતોની ઉપેક્ષા કરવી એ ખોટું પગલું છે અને તે સંકુચિત માનસિકતા દર્શાવે છે.
આ પણ વાંચોઃ Weather Update: બિહારથી લઇને યુપી સુધી 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, ઓડિશામાં પૂરની પરિસ્થિતિ