રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધ વચ્ચે એક નવો રાજદ્વારી વિવાદ સામે આવ્યો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદીમીર ઝેલેન્સકીએ રશિયા સાથે ડીઝલ સપ્લાય કરાર કરવા બદલ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારે ટીકા કરી છે. એક વિશેષ ઇન્ટરવ્યુમાં ઝેલેન્સકીએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રશિયન ઇંધણની આયાત કરવા સંમતિ આપીને વોશિંગ્ટને "ખોટી બાજુ" પસંદ કરી છે અને આ પગલાના કારણે યુક્રેન પોતાના એક અત્યંત મહત્વપૂર્ણ અને મજબૂત સાથીનો ટેકો ગુમાવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

ઇન્ટરવ્યુમાં ઝેલેન્સકીનો આક્રોશ

બ્રિટિશ શો માં વાત કરતા રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું, "જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ આપણા પક્ષને બદલે રશિયાનો પક્ષ લે છે ત્યારે તે ખૂબ જ દુઃખદ બાબત છે. અમેરિકા જો તટસ્થ કે મધ્યમ માર્ગ અપનાવવા માગતું હોય તો અમને તેનાથી કોઈ વાંધો નથી, પરંતુ મધ્યમ માર્ગનો અર્થ એ છે કે તમારે બિલકુલ વચ્ચે રહેવું જોઈએ, નહીં કે ખોટી બાજુએ ઊભા રહેવું."

સલાહકારોની ભૂમિકા સામે ઉઠાવ્યા સવાલ

ઝેલેન્સકીએ ટ્રમ્પના સલાહકારોની ભૂમિકા સામે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે ઉમેર્યું, "મને લાગે છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પને તેમના સલાહકારો દ્વારા ખોટી અને ગેરમાર્ગે દોરનારી સલાહ આપવામાં આવી રહી છે. મને ખબર નથી કે તેમને કોણ ઉશ્કેરી રહ્યું છે, પરંતુ આ નિર્ણય ઇતિહાસની યોગ્ય બાજુ પર નથી."

શું છે વિવાદિત ડીઝલ કરાર?

આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ટ્રમ્પે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે એક મોટી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાની જાહેરાત કરી. આ કરાર હેઠળ, રશિયા તાત્કાલિક ધોરણે અમેરિકા અને વૈશ્વિક બજારો માટે 300,000 મેટ્રિક ટનથી વધુ ડીઝલ સપ્લાય કરશે.ટ્રમ્પે આ કરારનો બચાવ કરતા દલીલ કરી હતી કે આ નિર્ણયનો મુખ્ય હેતુ વૈશ્વિક બજારમાં ક્રૂડ અને ઇંધણની અછતને દૂર કરવાનો તથા વધતી ઉર્જા કિંમતો તેમજ મોંઘવારીને નિયંત્રણમાં લાવવાનો છે.

યુક્રેન માટે ચિંતાનો વિષય

રશિયા સામેના યુદ્ધમાં અત્યાર સુધી યુએસ કિવ (યુક્રેન)નો સૌથી મોટો સૈન્ય અને આર્થિક મદદગાર રહ્યો છે. પરંતુ, રશિયા સાથેના આ વેપાર કરારથી યુક્રેનને આંચકો લાગ્યો છે. ઝેલેન્સકીએ પુનઃરોચ્ચાર કર્યો હતો કે અમેરિકાએ કિવને સાથ આપવો જોઈએ અને મોસ્કો પર આર્થિક દબાણ વધારવું જોઈએ, નહીં કે તેમની સાથે વેપાર કરીને તેમને આર્થિક રાહત આપવી જોઈએ.

આ પણ વાંચોઃ Florida માં બાળકોના સોશિયલ મીડિયા પર લાગશે પ્રતિબંધ? અપીલ કોર્ટે હટાવ્યો સ્ટે