નોબેલ પુરસ્કાર જીતવાની આશા રાખી રહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નિરાશાનો સામનો કરવો પડ્યો છે. નોબેલ શાંતિ પુરસ્કાર માટે તેમના નામનો વિચાર ન કરવા બદલ નોર્વેની આકરી ટીકા કરતા તેમણે દાવો કર્યો હતો કે, તેમણે જેટલા યુદ્ધો અટકાવ્યા છે તે જોતાં તેમને આ પુરસ્કાર આઠ વખત મળવો જોઈતો હતો. શુક્રવારે એક જાહેર સભાને સંબોધતા ટ્રમ્પે દાવો કર્યો હતો કે પરમાણુ શસ્ત્રો ધરાવતા દેશો ભારત અને પાકિસ્તાનને યુદ્ધ કરતા અટકાવીને તેમણે લાખો લોકોના જીવ બચાવ્યા છે. ટ્રમ્પે કહ્યું, "તમારા રાષ્ટ્રપતિ તરીકે મેં જે અમેરિકાનું નેતૃત્વ કર્યું તેને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈતો હતો, પરંતુ તે આપવામાં આવ્યો નહીં."


અમેરિકન નેતાએ કહ્યું કે આ નોર્વે અને આવા અપમાનજનક અને શરમજનક નિર્ણય માટે જવાબદાર લોકો પર એક કાયમી ડાઘ સમાન છે. યુએસ પ્રમુખે ટિપ્પણી કરી, "કટ્ટરપંથી વિચારધારા ધરાવતા લોકોના એક જૂથે નોબેલ શાંતિ પુરસ્કારની પ્રતિષ્ઠાને કાયમ માટે ખરડી નાખી છે. આ લોકો લોકશાહીના વિરોધી છે અને વાસ્તવમાં સભ્યતાના દુશ્મન છે. નોર્વે, અમે એ ક્યારેય નહીં ભૂલીએ કે તમે અમને આ પુરસ્કાર ન આપ્યો." આ વર્ષે નોબેલ શાંતિ પુરસ્કાર ભારતીય મૂળના દક્ષિણ આફ્રિકન અને સંયુક્ત રાષ્ટ્ર (UN)ના માનવાધિકાર વિભાગના ભૂતપૂર્વ વડા નવનેથમ 'નાવી' પિલ્લેને આપવામાં આવ્યો હતો. પિલ્લે વિશે વાત કરતા ટ્રમ્પે તેમને એવી વ્યક્તિ ગણાવી કે "જેના વિશે કોઈએ ક્યારેય સાંભળ્યું પણ નથી."


એક અહેવાલ મુજબ, ટ્રમ્પે કહ્યું, સંયુક્ત રાષ્ટ્રમાં કામ કરતી એક ઉદારવાદી મહિલાને નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો, જેના વિશે કોઈએ ક્યારેય સાંભળ્યું નથી. મેં પણ તેમના વિશે ક્યારેય સાંભળ્યું ન હતું, તેમ છતાં તેમને અભિનંદન." ત્યારબાદ ટ્રમ્પે એવા સંઘર્ષોની યાદી આપી જેનો ઉકેલ લાવવાનો તેમણે દાવો કર્યો હતો. તેમણે ઉલ્લેખ કર્યો કે તેઓ અન્ય બે સંઘર્ષો ઈરાન સાથે જોડાયેલા મુદ્દા અને રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે કામ કરી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું, "નોર્વે, અમે એ ક્યારેય નહીં ભૂલીએ કે ઇતિહાસમાં અમારા ઉત્કૃષ્ટ ટ્રેક રેકોર્ડ હોવા છતાં તમે અમને આ પુરસ્કાર ન આપ્યો." "અમે આઠ યુદ્ધો અટકાવ્યા. અમને દરેક યુદ્ધ માટે નોબેલ પુરસ્કાર મળવો જોઈતો હતો. એટલે કે કુલ આઠ પુરસ્કાર. પરંતુ તમે અમેરિકાને નોબેલ શાંતિ પુરસ્કાર ન આપ્યો."


ટ્રમ્પે કહ્યું - મેં વિશ્વમાં અન્ય કોઈપણ વ્યક્તિ કરતાં વધુ લોકોના જીવ બચાવ્યા છે. તેમણે કહ્યું, "વધુમાં, મેં ઈરાનને પરમાણુ હથિયારો મેળવતા અટકાવ્યું. આનાથી સમગ્ર મધ્ય પૂર્વ અને તેની બહારના વિસ્તારો વિનાશમાંથી બચી ગયા." ટ્રમ્પે દાવો કર્યો કે તેમણે ઇતિહાસમાં અન્ય કોઈપણ વ્યક્તિ કરતાં વધુ લોકોના જીવ બચાવ્યા છે. અત્યાર સુધીમાં ચાર અમેરિકી રાષ્ટ્રપતિઓ થિયોડોર રૂઝવેલ્ટ, વુડ્રો વિલ્સન, જિમી કાર્ટર અને બરાક ઓબામાને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો છે. ઓબામાને આ સન્માન 2009માં રાષ્ટ્રપતિ તરીકેના તેમના કાર્યકાળના પ્રથમ વર્ષ દરમિયાન મળ્યું હતું. ટ્રમ્પે ઓબામાને નોબેલ શાંતિ પુરસ્કાર મળવા અંગે વારંવાર નારાજગી વ્યક્ત કરી છે; તેમણે ઘણીવાર એવી ટિપ્પણી કરી છે કે ઓબામાને "કંઈપણ કર્યા વિના આ પુરસ્કાર મળ્યો."


આ પણ વાંચો; CJP Protest: 'બધાને અંદર કરી દીધા, હું પણ...', દિલ્હી પહોંચતા જ અભિજીત દિપકેએ આ શું કહ્યું?