અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેત્તરમાં જ પોતાની ટેરિફ નીતિના કારણે વૈશ્વિક વેપાર જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. આ પોલિસી હેઠળ અમેરિકાએ પોતાના ટ્રેડિંગ પાર્ટનર્સ પર 10થી લઈને 50 ટકા સુધીનો ટેરિફ લગાવી દીધો છે. જે આવતીકાલે ગુરૂવારથી એટલે કે 7 ઓગસ્ટથી લાગુ થવા જઈ રહ્યો છે.
રશિયા સાથેના સંબંધને લઈને અમેરિકાએ ભારતને આપી ચેતવણી
ભારત આ દેશોમાં છે, જેને ટ્રમ્પની તમામ શરતો માની નથી. ટ્રમ્પની ટીમ હવે વધારે ટેરિફ લગાવવાની ધમકી આપી રહી છે. ભારતની સાથે દુનિયામાં ઘણા દેશ એવા પણ છે જેમને ટ્રમ્પના ટેરિફની આગળ ઝુકવાથી સાફ ઈનકાર કરી દીધો, દબાણ સહન કરી રહ્યા છે પણ પોતાની વાત પર ટકી રહ્યા છે. ભારત પર અમેરિકાએ 25 ટકા ટેરિફ લગાવ્યો છે, જે શરૂઆતમાં 26 ટકા નક્કી કરવામાં આવ્યો હતો. તેની પાછળનું એક મુખ્ય કારણ ભારત રશિયા પાસેથી તેલ અને હથિયારોની ખરીદી માનવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેની પર નારાજગી વ્યક્ત કરી છે અને રશિયા સાથેના સંબંધને લઈને સંભવિત પેનલ્ટીની ચેતવણી આપી છે. જો કે ભારતે કહ્યું કે જે પણ નિર્ણય લેવામાં આવશે રાષ્ટ્રહિતમાં લેશે. ટ્રમ્પ ટેરિફની વિરૂદ્ધ હવે રશિયા પણ ભારતની સાથે ઉભું છે.
ચીન, બ્રાઝિલ અને કેનેડાએ પણ આપ્યો વળતો જવાબ
ચીન અને અમેરિકાની વચ્ચે ટેરિફ યુદ્ધની શરૂઆત સૌથી મોટી રહી છે. અમેરિકાએ ચીન પર ભારે ભરખમ 145 ટકા સુધીનો ટેરિફ લગાવ્યો છે. ચીન પણ તેની સામે ઝુકવાના મૂડમાં નથી. તેની સામે જવાબમાં અમેરિકા પર 125 ટકા ટેરિફ લગાવી દીધો છે. બીજી તરફ બ્રાઝિલ તે દેશોમાં છે, જેની પર અમેરિકાએ સૌથી વધારે 50 ટકા ટેરિફ લગાવ્યો છે પણ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈઝ ઈનાસિયો લૂલા દા સિલ્વા અમેરિકાના દબાણમાં ઝુકવા માટે તૈયાર નથી. બ્રાઝિલ આ મુદ્દાઓને લઈ WTOમાં જવાની યોજના બનાવી રહ્યું છે. કેનેડા પર અમેરિકાએ 35 ટકા ટેરિફ લગાવ્યો છે, જે 1 ઓગસ્ટથી પ્રભાવિત થયો છે પણ USMCAના કારણે કેનેડિયન સામનને તેમાંથી છૂટ મળી છે. જો કે કેનેડાએ પણ ચીનની જેમ અમેરિકા પર જવાબી ટેરિફ લગાવી છે. જે તેને અમેરિકાની ટેરિફ નીતિનો વિરોધ કરનારા દેશોની લિસ્ટમાં સામેલ કરે છે.