અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાન વચ્ચે શાબ્દિક યુદ્ધ વધુ ઉગ્ર બન્યું છે. ઈરાન દ્વારા આપવામાં આવેલી નવી ધમકીઓ બાદ ટ્રમ્પે વળતો પ્રહાર કરતા કહ્યું છે કે, ઈરાન સમજૂતી કરવા માટે બેતાબ છે કારણ કે તેની લશ્કરી શક્તિ અને અર્થતંત્ર હવે પાયમાલ થઈ ચૂક્યા છે.
ઈરાનની લશ્કરી ક્ષમતા નષ્ટ થયાનો દાવો
ટ્રમ્પે નિવેદન આપ્યું હતું કે ઈરાનની નૌકાદળ, વાયુસેના અને લગભગ તમામ સૈન્ય સાધનો નાશ પામ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે ઈરાનના ડ્રોન કારખાનાઓ 82% જેટલા ઠપ થઈ ગયા છે અને તેમની પરમાણુ ક્ષમતાને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. ટ્રમ્પના મતે, આટલી તબાહી છતાં તેઓ ઈરાનને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ વર્તમાન શાસન અત્યંત ક્રૂર છે.
ઈરાનની 'હાર્ટ એટેક' લાવનારી ધમકી
આ પહેલા ઈરાનના સર્વોચ્ચ નેતા મુજ્તબા ખામેનેઈ તરફથી કડક વલણ અપનાવવામાં આવ્યું હતું. ઈરાને ધમકી આપી હતી કે જો હવે તેમના પર હુમલો થશે, તો તેઓ એવો જવાબ આપશે કે દુશ્મનોને 'હાર્ટ એટેક' આવી જશે. ઈરાને દાવો કર્યો છે કે તેમની પાસે હવે એવા નવા હથિયારો છે જે દુશ્મનો માટે જીવલેણ સાબિત થશે.
શા માટે વધ્યો તણાવ?
અત્યારે બંને દેશો વચ્ચે યુદ્ધ ભલે થંભી ગયું હોય, પરંતુ કાયમી સીઝફાયર પર હજુ કોઈ સહમતિ સધાઈ નથી. હોર્મુઝની ખાડી ખોલવાના પ્રસ્તાવને અમેરિકાએ ફગાવી દેતા તણાવમાં વધારો થયો છે. એક તરફ ઈરાન પોતાની મિસાઈલ ક્ષમતાની રક્ષા કરવાની વાત કરી રહ્યું છે, ત્યારે ટ્રમ્પ ઈરાની અર્થતંત્ર સંપૂર્ણ બરબાદ થઈ ગયું હોવાનું જણાવી રહ્યા છે.
આ પણ વાંચો:Trump:અમેરિકાની જર્મની સાથેની દુશ્મની મોંઘી સાબિત થઈ શકે છે,ટ્રમ્પની જાહેરાતથી પેન્ટાગોન કેમ ચિંતિત છે?