અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ સંઘર્ષની વચ્ચે હવે વોશિંગ્ટન એક નવો રાજદ્વારી દાવ ખેલવાની તૈયારીમાં છે. ટ્રમ્પ પ્રશાસન ઈરાનની ફ્રીઝ (જપ્ત) કરાયેલી અબજો ડોલરની સંપત્તિનો ઉપયોગ તેના સહયોગી ખાડી દેશો (Gulf Countries) ને થયેલા નુકસાનની ભરપાઈ માટે કરવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે. જો આ યોજના અમલમાં આવશે, તો પહેલાથી જ અત્યંત તણાવપૂર્ણ બનેલા અમેરિકા-ઈરાન સંબંધોમાં મોટો વિસ્ફોટ થઈ શકે છે.


નુકસાનના આંકડાની સમીક્ષા શરૂ

અહેવાલ મુજબ, અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસેન્ટે પોતાની ટીમને ઈરાની હુમલાઓથી ખાડી દેશોને થયેલા નુકસાનની વિગતવાર કિંમતનું મૂલ્યાંકન કરવાના નિર્દેશ આપ્યા છે. અમેરિકા એવો કાનૂની રસ્તો શોધી રહ્યું છે જેનાથી દક્ષિણ કોરિયા, ઈરાક, ચીન અને કતાર જેવા દેશોની બેંકોમાં ફસાયેલા ઈરાનના નાણાંનો ઉપયોગ વળતર તરીકે કરી શકાય. આ ભંડોળનો ઉપયોગ ભૂતકાળમાં થયેલી તબાહીના સમારકામ તેમજ ભવિષ્યના સંભવિત હુમલા સામે સુરક્ષા કવચ તરીકે કરવામાં આવશે.

શાંતિ વાર્તા જોખમમાં મૂકાશે

અમેરિકાના આ પગલાથી ઈરાન વધુ ભડકે તેવી શક્યતા છે. હાલમાં બંને દેશો વચ્ચે અટકેલી શાંતિ વાર્તામાં ઈરાનની મુખ્ય શરત જ આ 24 અબજ ડોલરની ફ્રીઝ સંપત્તિને મુક્ત કરવાની છે. ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈના સૈન્ય સલાહકાર મોહસેન રેઝાઈએ તાજેતરમાં જ જણાવ્યું હતું કે, આ નાણાં ઈરાનના પોતાના છે અને આ ફંડની મુક્તિ જ ટ્રમ્પ સાથેના ભવિષ્યના સંબંધો માટે 'ભરોસાની કસોટી' સાબિત થશે.

ખાડી દેશો શા માટે બન્યા નિશાન?

અમેરિકી હુમલાનો બદલો લેવા માટે ઈરાન સતત સાઉદી અરેબિયા, યુએઈ (UAE), કુવૈત અને બહેરીન જેવા દેશોને નિશાન બનાવી રહ્યું છે. ઈરાનનો દાવો છે કે તે ત્યાં આવેલા અમેરિકી સૈન્ય બેઝ પર હુમલા કરે છે, પરંતુ ખાડી દેશોના મતે તેમના એરપોર્ટ, ઓઈલ સ્ટોરેજ અને પેટ્રોકેમિકલ પ્લાન્ટ્સને ભારે નુકસાન પહોંચ્યું છે. આ તાજા તણાવ વચ્ચે અમેરિકા હવે ઈરાન સામે આ નવો આર્થિક પ્રહાર કરવાની તૈયારીમાં છે.

આ પણ વાંચો:Elon Musk: ભારતમાં ઘટતા જન્મદરને લઈને એલન મસ્કે ચિંતા વ્યક્ત કરી


  • Follow us on: