અમેરિકન રાજકારણમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અગ્રણી મીડિયા હાઉસ વચ્ચે ચાલી રહેલા ઘર્ષણમાં એક નવો વળાંક આવ્યો છે. અગાઉ રાષ્ટ્રપતિ ટ્રમ્પે CNN, MSN Now અને પોલિટિકો (Politico) જેવા મુખ્ય મીડિયા આઉટલેટ્સ પર ખોટા સમાચાર પ્રકાશિત કરવાનો ગંભીર આરોપ લગાવીને વ્હાઇટ હાઉસના કવરેજ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ મનસ્વી નિર્ણય સામે આ તમામ મીડિયા સંસ્થાઓએ અદાલતના દરવાજા ખખડાવ્યા હતા, જેના પરિણામે યુએસ જજે ટ્રમ્પના આદેશને સ્થગિત કરીને પ્રતિબંધ સત્તાવાર રીતે હટાવી લીધો છે.
મીડિયા તરફેણમાં આદેશ જાહેર કર્યો
મીડિયાનાના અહેવાલ મુજબ, યુએસ ડિસ્ટ્રિક્ટ જજ ટિમ કેલીએ 18 સપ્ટેમ્બરના રોજ આ મામલે ચુકાદો આપતા મીડિયા સંગઠનોની તરફેણમાં આદેશ જારી કર્યો હતો. સુનાવણી દરમિયાન યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટના વકીલોએ રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાને આગળ ધરીને આ પ્રતિબંધને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોર્ટે તેને ફગાવી દીધો હતો. મીડિયા હાઉસે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે આ પ્રતિબંધ કાયદા અને દેશના બંધારણનું સ્પષ્ટ ઉલ્લંઘન છે, કારણ કે બંધારણ રાષ્ટ્રપતિને એવા સમાચારો પર સેન્સરશિપ કે પ્રતિબંધ મૂકવાનો અધિકાર નથી આપતું જે તેમને વ્યક્તિગત રીતે પસંદ ન હોય.
