વૈશ્વિક રાજકારણ અને કૂટનીતિના ઇતિહાસમાં એક અત્યંત મહત્વપૂર્ણ ઘટના આકાર લેવા જઈ રહી છે. વિશ્વની ત્રણ સૌથી મોટી પરમાણુ મહાસત્તાઓ અમેરિકા, રશિયા અને ચીનના રાષ્ટ્રપ્રમુખો પ્રથમ વખત એક જ મંચ પર ત્રિપક્ષીય બેઠક યોજવા જઈ રહ્યા છે. આગામી 19 નવેમ્બર, ગુરુવારના રોજ દક્ષિણ ચીનના શેનઝેન શહેરમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે આ ઐતિહાસિક મુલાકાત યોજાશે. ચીનના વિદેશ મંત્રાલય સહિત અમેરિકા અને રશિયાએ પણ સોમવારે સત્તાવાર રીતે આ બેઠકની પુષ્ટિ કરી છે.

ત્રણ મોટી મહાસત્તાઓનું મિલન 

આ ત્રિપક્ષીય બેઠક 18 અને 19 નવેમ્બરે શેનઝેનમાં યોજાનારી એશિયા-પેસિફિક આર્થિક સહયોગ (APEC) સમિટના બીજા દિવસે યોજાશે. જોકે, હજુ સુધી બેઠકનો સંપૂર્ણ સત્તાવાર એજન્ડા જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સુરક્ષા, પરમાણુ શસ્ત્રોની મર્યાદા અને મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ઈરાન યુદ્ધ જેવા ગંભીર વૈશ્વિક મુદ્દાઓ ચર્ચાના કેન્દ્રમાં રહેવાની પૂરી શક્યતા છે.

પરમાણુ શસ્ત્રોને લઇને થઇ શકે છે વાટાઘાટો

વ્હાઇટ હાઉસના સૂત્રોના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ બેઠકમાં વિશ્વમાં પરમાણુ શસ્ત્રોની સંખ્યા ઘટાડવાનો મુદ્દો પ્રમુખતાથી ઉઠાવશે. ઉલ્લેખનીય છે કે અમેરિકા અને રશિયા વચ્ચેની પરમાણુ શસ્ત્ર નિયંત્રણ સંધિ ફેબ્રુઆરી 2026 માં સમાપ્ત થઈ ગઈ છે. હવે ટ્રમ્પ એક એવો નવો કરાર કરવા માંગે છે જેમાં ચીનને પણ સામેલ કરવામાં આવે. અમેરિકન સંરક્ષણ વિભાગ મુજબ, અમેરિકા અને રશિયા પાસે 5000 થી વધુ પરમાણુ શસ્ત્રો છે, જ્યારે ચીન પાસે 600 થી વધુ હથિયારો છે. જોકે, ચીનનું માનવું છે કે તેની પાસે હથિયારોની સંખ્યા ઘણી ઓછી હોવાથી તે હાલ આવી વાટાઘાટોમાં જોડાવા તૈયાર નથી.

રશિયા અને ચીન વચ્ચે ગાઢ મિત્રતા

આ ઉપરાંત, ટ્રમ્પ ઈરાન યુદ્ધને સમાપ્ત કરવાના માર્ગો શોધવા માટે પણ પુતિન અને જિનપિંગ સાથે મંથન કરશે. બીજી તરફ, યુક્રેન યુદ્ધનો મુદ્દો આ બેઠકના એજન્ડામાં સામેલ થવાની શક્યતા ઓછી છે, કારણ કે અમેરિકા તે અંગે અલગથી ચર્ચા કરવા માંગે છે, જ્યારે ચીનનું કહેવું છે કે યુક્રેન મુદ્દે યુરોપિયન દેશોને પણ સાથે રાખવા જોઈએ. હાલમાં રશિયા અને ચીન વચ્ચે ગાઢ સંબંધો છે, જ્યારે બંને દેશોના અમેરિકા સાથે વેપાર અને સુરક્ષા મુદ્દે તીવ્ર મતભેદો ચાલી રહ્યા છે. આ સંજોગોમાં ત્રણેય ટોચના નેતાઓની આ પ્રથમ ત્રિપક્ષીય મુલાકાત વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે અત્યંત નિર્ણાયક સાબિત થઈ શકે છે.

આ પણ વાંચોઃ Nvidia જેન્સેન હુઆંગની વાપસી? એલોન મસ્ક સહિત ટેક દિગ્ગજોએ આપ્યું સમર્થન