યુનાઇટેડ સ્ટેટ્સે હવે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) સાથેના 78 વર્ષ જૂના સંબંધોને પૂર્ણવિરામ આપ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળના પહેલા દિવસે WHOમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી હતી અને હવે આ નિર્ણય સંપૂર્ણ રીતે અમલમાં આવી ગયો છે. આ સાથે જ, ટ્રમ્પ વહીવટીતંત્રે એક જ વર્ષમાં લગભગ 70 આંતરરાષ્ટ્રીય સંગઠનો અને કરારોમાંથી અમેરિકા પાછું ખેંચી લીધું છે, જે વૈશ્વિક રાજકારણ અને આરોગ્ય ક્ષેત્ર માટે ચિંતાજનક માનવામાં આવે છે.
$130 મિલિયનથી વધુનું બાકી ચુકવવાનું
WHO મુજબ, અમેરિકા હજુ પણ સંસ્થાને $130 મિલિયનથી વધુનું બાકી ચુકવવાનું છે. મહત્વની વાત એ છે કે WHOમાંથી બહાર નીકળવાથી અમેરિકાને અન્ય દેશોના આરોગ્ય ડેટા સુધી પહોંચવામાં મુશ્કેલી પડશે. આ ડેટા નવી મહામારી કે ચેપજનક રોગની વહેલી ચેતવણી આપવા માટે અત્યંત જરૂરી હોય છે.
લડવાની વૈશ્વિક ક્ષમતા
જાહેર આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે કે આ નિર્ણયથી નવા રોગો સામે લડવાની વૈશ્વિક ક્ષમતા નબળી પડશે. જ્યોર્જટાઉન યુનિવર્સિટીના જાહેર આરોગ્ય કાયદાના નિષ્ણાતને આ નિર્ણયને “તેમના જીવનકાળનો સૌથી વિનાશક રાષ્ટ્રપતિ નિર્ણય” ગણાવ્યો છે. તેમણે ચેતવણી આપી છે કે અમેરિકન વૈજ્ઞાનિકો અને ફાર્માસ્યુટિકલ કંપનીઓ માટે નવી રસીઓ અને દવાઓ વિકસાવવાનું વધુ મુશ્કેલ બનશે.
સંયુક્ત રાષ્ટ્રની વિશેષ આરોગ્ય એજન્સી
WHO એક સંયુક્ત રાષ્ટ્રની વિશેષ આરોગ્ય એજન્સી છે, જે ઓરી, પોલિયો, ઇબોલા જેવા ગંભીર રોગો સામે લડવા માટે વૈશ્વિક સ્તરે કામ કરે છે. તે ગરીબ દેશોને તકનીકી સહાય આપે છે, રસીઓનું વિતરણ કરે છે અને કેન્સર, માનસિક સ્વાસ્થ્ય સહિત સૈંકડો રોગો માટે માર્ગદર્શિકા તૈયાર કરે છે. વિશ્વના લગભગ દરેક દેશ તેનો સભ્ય છે અને અમેરિકાએ તેની સ્થાપનામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
35 બિન-UN સંગઠનોમાંથી પણ અમેરિકા પાછું ખેંચ્યું
WHO ઉપરાંત, ટ્રમ્પ વહીવટીતંત્રે 31 UN સંસ્થાઓ અને 35 બિન-UN સંગઠનોમાંથી પણ અમેરિકા પાછું ખેંચ્યું છે. આમાં આબોહવા, શ્રમ, સ્થળાંતર, મહિલાઓના અધિકાર અને પર્યાવરણ સાથે જોડાયેલા અનેક સંગઠનોનો સમાવેશ થાય છે. વ્હાઇટ હાઉસનું કહેવું છે કે આ સંગઠનો અમેરિકાના હિતોની વિરુદ્ધ કામ કરતા હતા. આ સાથે, ટ્રમ્પે પેરિસ ક્લાયમેટ એગ્રીમેન્ટમાંથી પણ અમેરિકા બહાર કાઢવાની જાહેરાત કરી છે, જે જાન્યુઆરી 2026થી અમલમાં આવશે. આ નિર્ણયથી અમેરિકા પર કાર્બન ઉત્સર્જન ઘટાડવાની કોઈ કાનૂની ફરજ રહેશે નહીં.
UNHCR સાથે જોડાયેલું રહેશે
જો કે, વહીવટીતંત્રે સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા UN સુરક્ષા પરિષદ, વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP) અને શરણાર્થી એજન્સી UNHCR સાથે જોડાયેલું રહેશે, કારણ કે આ સંસ્થાઓને રાષ્ટ્રીય સુરક્ષા અને માનવતાવાદી દૃષ્ટિએ જરૂરી માનવામાં આવે છે. આ તમામ નિર્ણયો બતાવે છે કે અમેરિકા હવે વૈશ્વિક સહયોગથી દૂર જઈ રહ્યું છે, જેના લાંબા ગાળાના પરિણામો આખી દુનિયાએ ભોગવવા પડી શકે છે.
આ પણ વાંચો : Americaમાં 5 વર્ષના બાળકની અટકાયત, કમલા હેરિસે કહ્યું –'આ ખોટો રસ્તો છે'