અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા સામે વધુ એક આક્રમક પગલું લેવાની ધમકી આપી છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે જો કેનેડા અમેરિકન કંપની ગલ્ફસ્ટ્રીમ દ્વારા બનાવાતા બિઝનેસ જેટને પ્રમાણિત નહીં કરે, તો અમેરિકા કેનેડાની બોમ્બાર્ડિયર કંપનીના ગ્લોબલ એક્સપ્રેસ બિઝનેસ જેટને અમાન્ય (ડિસર્ટિફાઇ) કરી શકે છે. એટલું જ નહીં, ટ્રમ્પે કેનેડા પરથી અમેરિકામાં આયાત થતા તમામ વિમાનો પર 50 ટકા ટેરિફ લાદવાની પણ ચેતવણી આપી છે.
‘ટ્રુથ સોશિયલ’ પર આ મુદ્દે પોસ્ટ
ટ્રમ્પે 29 જાન્યુઆરીએ પોતાની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર આ મુદ્દે પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું કે કેનેડાએ ગલ્ફસ્ટ્રીમ 500, 600, 700 અને 800 જેટને પ્રમાણિત કરવાનો ઇનકાર કર્યો છે. આના જવાબમાં અમેરિકા કેનેડામાં ગલ્ફસ્ટ્રીમના વિમાનોના વેચાણ પર પ્રતિબંધ મૂકી રહ્યું છે.
અમેરિકન કંપનીઓ સાથે ભેદભાવ
ટ્રમ્પનું કહેવું છે કે આ સ્થિતિ ન્યાયસંગત નથી અને અમેરિકન કંપનીઓ સાથે ભેદભાવ થઈ રહ્યો છે. તેમણે ચેતવણી આપી કે જો આ મુદ્દો તાત્કાલિક ઉકેલાશે નહીં, તો કેનેડાથી અમેરિકામાં વેચાતા તમામ વિમાનો પર 50% ટેરિફ લાદવામાં આવશે. આ પગલું કેનેડાની ઉડ્ડયન ઉદ્યોગ માટે મોટું આર્થિક નુકસાન સર્જી શકે છે.
પ્રમાણિત કે અમાન્ય કરવાની સત્તા
જો કે , એક મહત્વની વાત એ છે કે વિમાનોને પ્રમાણિત કે અમાન્ય કરવાની સત્તા અમેરિકાની ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) પાસે હોય છે, રાષ્ટ્રપતિ પાસે નહીં. તેથી ટ્રમ્પ આ પ્રક્રિયા કેવી રીતે અમલમાં મૂકાશે તે હજી સ્પષ્ટ નથી. તેમ છતાં, ભૂતકાળમાં ટ્રમ્પે આવી જાહેરાતો કરી છે, જેના કારણે સંબંધિત એજન્સીઓ પર દબાણ વધ્યું છે.
હજી સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા નથી આવી
આ મામલે કેનેડાની બોમ્બાર્ડિયર કંપની, ગલ્ફસ્ટ્રીમની માલિક જનરલ ડાયનેમિક્સ અને કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીના કાર્યાલય તરફથી હજી સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. નિષ્ણાતો માને છે કે જો આ વિવાદ વધારે ઘેરો બનશે, તો અમેરિકા-કેનેડા સંબંધો તેમજ વૈશ્વિક બિઝનેસ જેટ માર્કેટ પર તેની લાંબા ગાળાની અસર પડી શકે છે.
આ પણ વાંચો : Economic Survey : અમેરિકા સાથે ક્યારે સોદો થશે? ટેરિફ અંગે કોઈ તણાવ નહીં !