તુર્કીનું બીજું સૌથી મોટું અને વિશ્વના સૌથી ખારા તળાવોમાં સ્થાન ધરાવતું 'તુઝ ગોલુ' (Tuz Golu) હાલમાં પાણીની ગંભીર અછતનો સામનો કરી રહ્યું છે. મધ્ય તુર્કીમાં સ્થિત આ પ્રખ્યાત તળાવ ઓછો વરસાદ, તીવ્ર ગરમી અને ભૂગર્ભજળના અંધાધૂંધ ઉપયોગને કારણે ઝડપથી સુકાઈ રહ્યું છે. ઉનાળાની ઋતુમાં તળાવનો મોટાભાગનો વિસ્તાર સંપૂર્ણપણે સુકાઈ જાય છે, જેના કારણે સ્થાનિક જીવસૃષ્ટિ, ફ્લેમિંગો પક્ષીઓ, મીઠાના ઉદ્યોગ અને પ્રવાસન ક્ષેત્ર પર ભારે સંકટ ઊભું થયું છે.
તળાવનું ભૌગોલિક મહત્વ અને વિશેષતા
'સોલ્ટ લેક' તરીકે ઓળખાતું તુઝ ગોલુ તુર્કીની રાજધાની અંકારાથી દક્ષિણમાં આશરે ૧૫૦ કિલોમીટરના અંતરે આવેલું છે. આ તળાવ ખૂબ જ છીછરું છે અને કેટલીક જગ્યાએ તેની ઊંડાઈ ૫૦ સેન્ટિમીટરથી પણ ઓછી છે. ઉનાળા દરમિયાન જ્યારે તળાવનું પાણી સુકાઈ જાય છે, ત્યારે જમીન પર મીઠાનું સફેદ ચમકતું પડ રચાય છે, જે આ વિસ્તારની એક આગવી અને અદ્ભુત ઓળખ છે.
સુકાઈ જવા પાછળના મુખ્ય કારણો
તળાવમાં પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ અને નજીકના નાળા-નદીઓ છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી વરસાદનું પ્રમાણ ઘટી ગયું છે. ઉનાળામાં કડકડાટ તાપને કારણે પાણીનું ઝડપથી બાષ્પીભવન થાય છે. આ સિવાય, તળાવને પાણી પૂરું પાડતા સ્થાનિક જળસ્ત્રોતો પણ સુકાઈ રહ્યા છે.
આ સંકટ પાછળ માનવસર્જિત કારણો પણ જવાબદાર છે. તળાવની આસપાસના વિસ્તારોમાં ખેતી માટે ભૂગર્ભજળનો અતિશય ઉપાડ કરવામાં આવી રહ્યો છે. ઘણી જગ્યાએ પરવાનગી વગર ગેરકાયદેસર બોરવેલ અને કૂવાઓ ખોદવામાં આવ્યા છે. વરસાદના અભાવ વચ્ચે ભૂગર્ભજળનું સ્તર સતત ઘટતાં તળાવ સુધી પહોંચતું પાણી અટકી ગયું છે.
ફ્લેમિંગો અને પર્યાવરણ પર ગંભીર અસર
તુઝ ગોલુ તળાવ ફ્લેમિંગો (હંસાવર) પક્ષીઓ માટે તુર્કીનું સૌથી મહત્વપૂર્ણ પ્રજનન અને સંવર્ધન કેન્દ્ર ગણાય છે. તળાવનું છીછરું પાણી આ પક્ષીઓને પૂરતો ખોરાક પૂરો પાડે છે અને તેમના બચ્ચાંના ઉછેર માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે. પરંતુ પાણીના સતત ઘટી રહેલા સ્તરને કારણે આ પક્ષીઓના અસ્તિત્વ સામે મોટો ખતરો ઊભો થયો છે. જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આ કુદરતી વારસો અને જીવસૃષ્ટિ કાયમ માટે નષ્ટ થઈ શકે છે.
આ પણ વાંચોઃ VIDEO : ફિલ્મી એક્શન હવે વાસ્તવિક દુનિયામાં!રોબોર્ટે કાર ઉપાડીને લોકોના જીવ બચાવ્યા,જુઓ વાયરલ Video