વૈશ્વિક રાજકારણ અને પ્રાદેશિક સ્થિરતા માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાય તેવી ઘટનામાં, પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સીધી વાટાઘાટો શરૂ થઈ છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની હાજરીમાં યોજાયેલી આ બેઠકમાં ઈરાને દાયકાઓ જૂની "સીધી વાતચીત ટાળવાની" નીતિમાં મોટો ફેરફાર કર્યો છે.
વાટાઘાટોમાં ઈરાનનું લવચીક વલણ
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાનના પ્રતિનિધિમંડળ વચ્ચે લગભગ બે કલાક સુધી સામ-સામે મંત્રણા ચાલી હતી. ઈરાને પોતાની અગાઉની બે કડક પૂર્વશરતો પૂરી ન થઈ હોવા છતાં, મંત્રણા ચાલુ રાખીને હકારાત્મક સંકેત આપ્યા છે. માનવામાં આવે છે કે ઈરાન ત્રણ મહત્વના મુદ્દાઓ પર સમજૂતી પર પહોંચી ગયું છે. બીજા યુદ્ધને ટાળવા માટે ઈરાન અત્યારે લવચીક અભિગમ અપનાવી રહ્યું છે.
જેડી વાન્સની પ્રતિષ્ઠા દાવ પર
આ વાટાઘાટોમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. ઈરાન જાણે છે કે વાન્સ હાલમાં વ્હાઇટ હાઉસમાં એવા વ્યક્તિ છે જે યુદ્ધના પક્ષમાં નથી. આ મંત્રણા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે પણ ટિપ્પણી કરી હતી કે ઈરાન પાસે અત્યારે વાટાઘાટો કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફે આ ત્રિ-માર્ગીય વાટાઘાટોમાં મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવી છે.
યુદ્ધની ભયાનકતા વચ્ચે શાંતિનો પ્રયાસ
લેબનોન અને ઈરાનમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે અને પર્સિયન ગલ્ફની અર્થવ્યવસ્થાને મોટું નુકસાન થયું છે. ઉર્જાના ભાવો આસમાને પહોંચ્યા છે ત્યારે આ નાજુક યુદ્ધવિરામ સુરક્ષિત કરવો બંને પક્ષો માટે અનિવાર્ય બન્યો છે. લેબનોન પર ઇઝરાયલના હુમલા ચાલુ હોવા છતાં, ઇસ્લામાબાદની આ બેઠક ભવિષ્યમાં કાયમી શાંતિ લાવવાનો માર્ગ મોકળો કરી શકે છે.
આ પણ વાંચો:Business News: તેલ કંપનીઓને મોટો ફટકો, સરકારે ડીઝલ પરની નિકાસ ડ્યુટીમાં કર્યો ધરખમ વધારો