મધ્ય પૂર્વમાં જ્યારે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે મિસાઈલ યુદ્ધ ખેલાઈ રહ્યું છે, ત્યારે સંયુક્ત આરબ અમીરાત (UAE) એ રણમેદાનમાં ઉતર્યા વિના જ તેહરાનને મોટો ઝટકો આપ્યો છે. યુએઈએ કોઈ હથિયાર કે મિસાઈલનો ઉપયોગ કર્યા વિના ઈરાનની કરોડરજ્જુ ગણાતા હિઝબુલ્લાહના ફંડિંગ નેટવર્ક પર સીધો પ્રહાર કર્યો છે. શુક્રવારે (20 માર્ચ, 2026) ના રોજ યુએઈની સુરક્ષા એજન્સીઓએ હિઝબુલ્લાહ અને ઈરાન સાથે જોડાયેલા પાંચ મુખ્ય સભ્યોની ધરપકડ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચાવી દીધો છે.
હિઝબુલ્લાહના ફંડિંગ નેટવર્કનો પર્દાફાશ
'ખાલીજ ટાઈમ્સ' ના અહેવાલ મુજબ, ધરપકડ કરાયેલા આ પાંચ સભ્યો લાંબા સમયથી યુએઈમાં રહીને મની લોન્ડરિંગ અને આતંકવાદને પ્રોત્સાહન આપવાનું કામ કરતા હતા. તેઓ દુબઈ અને અબુ ધાબી જેવા આર્થિક હબનો ઉપયોગ કરીને હિઝબુલ્લાહ અને ઈરાન વચ્ચે કરોડો ડોલરના ભંડોળનું સંચાલન કરતા હતા. યુએઈની સુરક્ષા એજન્સીએ દાવો કર્યો છે કે આ ધરપકડો સાથે તેમણે એક એવા આતંકવાદી નેટવર્કનો નાશ કર્યો છે જે વૈશ્વિક અર્થતંત્રમાં ઘૂસણખોરી કરી રહ્યું હતું.
શા માટે આ ધરપકડ અત્યંત મહત્વપૂર્ણ છે?
આ કાર્યવાહી ઈરાન માટે મોટો ફટકો છે કારણ કે વર્તમાન યુદ્ધમાં હિઝબુલ્લાહ ઈરાન વતી ઈઝરાયેલ સામે લડી રહ્યું છે. યુએઈની સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, આ સભ્યોનો ધ્યેય યુદ્ધ દરમિયાન વૈશ્વિક અર્થતંત્રને નબળું પાડવાનો હતો. જો તેઓ સફળ થયા હોત, તો તેનાથી યુએઈની પોતાની અર્થવ્યવસ્થાને પણ મોટું નુકસાન થઈ શક્યું હોત. હિઝબુલ્લાહ લાંબા સમયથી યુએઈમાં સક્રિય હોવા છતાં, યુદ્ધ દરમિયાન લેવાયેલું આ કડક પગલું ઈરાન માટે સ્પષ્ટ ચેતવણી છે.
ઈરાનના મૂળ પર હુમલો, બદલાતી રણનીતિ
ઈરાન સમગ્ર મધ્ય પૂર્વમાં અસ્થિરતા ફેલાવવા માટે હિઝબુલ્લાહ, હુથી અને હમાસ જેવા પ્રોક્સી સંગઠનોનો ઉપયોગ કરે છે. અગાઉ યુએઈ પર આરોપ લાગતા હતા કે તે ઈરાનને ગેરકાયદે તેલ વેચવામાં કે ફંડ ટ્રાન્સફરમાં મદદ કરે છે, પરંતુ ઈરાનના તાજેતરના આક્રમક વલણથી અબુ ધાબી હવે ગુસ્સે ભરાયું છે. ગલ્ફ દેશોએ નક્કી કર્યું છે કે તેઓ સીધા મિસાઈલ હુમલામાં ઉતરીને પ્રાદેશિક યુદ્ધને ભડકાવશે નહીં, પરંતુ ઈરાનના આર્થિક સ્ત્રોતોને નિશાન બનાવીને તેને અંદરથી નબળું પાડશે.
આ પણ વાંચોઃ Strait of Hormuz સંકટ વચ્ચે નેતન્યાહૂએ આપ્યા સારા સમાચાર, દુનિયાને મળશે રાહત