બ્રિટન સરકારે પોતાના નાગરિકો માટે એક અત્યંત ચોંકાવનારી ચેતવણી જાહેર કરી છે. સરકારે દેશવાસીઓને અપીલ કરી છે કે તેઓ કોઈ પણ સંભવિત મોટી આપત્તિનો સામનો કરવા માટે પોતાના ઘરોમાં ઓછામાં ઓછું ત્રણ દિવસનું સૂકું ભોજન અને વ્યક્તિ દીઠ 9 લિટર બોટલ્ડ પાણીનો સ્ટોક તાત્કાલિક જમા કરી લે.

72 કલાક માટે નાગરિકોને આત્મનિર્ભર બનાવવાનું મિશન

આ સલાહ બ્રિટન સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા એક નવા રાષ્ટ્રીય અભિયાન પ્રિપેર (Prepare Campaign) હેઠળ આપવામાં આવી છે. તેનો હેતુ કોઈ પણ રાષ્ટ્રીય સંકટના શરૂઆતના 72 કલાકમાં નાગરિકોને આત્મનિર્ભર બનાવવાનો છે.

આ મોટા જોખમોના કારણે લેવાયો નિર્ણય

બ્રિટનના મંત્રીઓ અને સુરક્ષા નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, દેશ પર ત્રિપાંખીયા સંકટનું જોખમ તોળાઈ રહ્યું છે, જેના કારણે ક્યારેય પણ સપ્લાય ચેન ખોરવાઈ શકે છે:

• દુશ્મન દેશોનો ડર: રશિયા અને અન્ય વિરોધી દેશો દ્વારા બ્રિટનના પાવર ગ્રીડ કે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવાનું જોખમ.

• ડિજિટલ બ્લેકઆઉટ: મોટા પાયે થતા સાયબર હુમલા, જે વીજળી, પાણી અને ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમને સંપૂર્ણપણે ઠપ કરી શકે છે.

• કુદરતી આફતો: અચાનક બદલાતું અત્યંત ખરાબ હવામાન (Extreme Weather) કે પૂર, જેનાથી રાહત સામગ્રી પહોંચવામાં વિલંબ થઈ શકે છે.

ભોજન અને પાણી સિવાય ઇમરજન્સી કિટમાં શું હોવું જરૂરી?

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર માર્ગદર્શિકા મુજબ, દરેક ઘરમાં એક ઇમરજન્સી રેઝિલિયન્સ કિટ તૈયાર હોવી જોઈએ, જેમાં નીચે મુજબની વસ્તુઓ સામેલ હોય:

• 9 લિટર પાણી: વ્યક્તિ દીઠ પ્રતિદિન 3 લિટરના હિસાબે ત્રણ દિવસનું બોટલ્ડ પાણી.

• બગડે નહીં તેવો ખોરાક: એવો તૈયાર કે સૂકો ખોરાક, જેને રાંધવા માટે વીજળી કે ગેસની જરૂર ન પડે.

• પાવર બેંક અને ટોર્ચ: વીજળી ગૂલ થવાની સ્થિતિનો સામનો કરવા માટે.

• વિન્ડ-અપ રેડિયો (Wind-up Radio): ઈન્ટરનેટ અને મોબાઈલ નેટવર્ક બંધ થવાની સ્થિતિમાં સરકારી સૂચનાઓ સાંભળવા માટે હાથથી ચાલી શકે તેવો રેડિયો.

• રોકડ રકમ અને દવાઓ: ડિજિટલ પેમેન્ટ ફેલ થાય ત્યારે ઉપયોગ માટે રોકડ રકમ અને જરૂરી ફર્સ્ટ-એઇડ કિટ.

‘સતર્ક રહો, ગભરાશો નહીં’, સરકારે કરી સ્પષ્ટતા

આ એડવાઇઝરી પછી લોકોમાં ફેલાયેલા ડરને જોતાં બ્રિટિશ સરકારે સ્પષ્ટતા કરી છે કે આ કોઈ તાત્કાલિક આવનારી તબાહીની ચેતવણી નથી. અધિકારીઓનું કહેવું છે કે નાગરિકોએ સતર્ક રહેવાનું છે, પરેશાન થવાનું નથી. આ પગલું માત્ર એટલા માટે લેવામાં આવ્યું છે જેથી કોઈ પણ અણધારી મુશ્કેલીના સમયે લોકો સરકારી સહાય પહોંચે ત્યાં સુધી સુરક્ષિત રહી શકે.

આ પણ વાંચો-Russia Ukraine War : યુક્રેનના આ શહેરને 3 દિવસની રાહત! રશિયા નહીં વરસાવે બોમ્બ!