પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (PoK) માં પાકિસ્તાની સેના અને સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલી હિંસક કાર્યવાહી અને કથિત હત્યાકાંડ સામે હવે વિદેશી ધરતી પર પણ વિરોધનો અવાજ ઉઠ્યો છે. યુનાઇટેડ કિંગડમ (UK) ના બ્રેડફોર્ડ શહેરમાં બ્રિટનમાં વસતા કાશ્મીરી સમુદાયના લોકો દ્વારા એક વિશાળ અને ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
પીઓકેની હિંસાનો વિરોધ બ્રિટન સુધી
મળતી માહિતી પ્રમાણે આ પ્રદર્શન દ્વારા ત્યાંના નાગરિકોએ પીઓકેના પીડિત લોકો સાથે સંપૂર્ણ એકતા વ્યક્ત કરી હતી અને સંયુક્ત આવામી કાર્યવાહી સમિતિની તમામ માંગણીઓને ખુલ્લું સમર્થન પૂરું પાડ્યું હતું. બ્રેડફોર્ડના સિટી સેન્ટરમાં એકઠા થયેલા પ્રદર્શનોકર્તાઓએ પોતાના હાથમાં વિરોધ દર્શાવતા બેનરો અને પ્લેકાર્ડ્સ લહેરાવ્યા હતા. તેઓ પીઓકેમાં માનવ અધિકારોનું રક્ષણ થાય, નાગરિક સ્વતંત્રતાઓ જળવાઈ રહે અને પ્રત્યેક નાગરિકના માનવ ગૌરવનું સન્માન થાય તેવી જોરદાર માંગ કરી રહ્યા હતા.
