રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે વધુ તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમિર ઝેલેન્સ્કીએ દાવો કર્યો છે કે યુક્રેનની સેનાએ રશિયાના અંદરના વિસ્તારોમાં લગભગ 1200 કિલોમીટર દૂર સુધી હુમલા કર્યા છે. આ હુમલાઓમાં હથિયાર બનાવતા પ્લાન્ટ, ઓઈલ રિફાઈનરી, ફ્યુઅલ ડિપો, લોજિસ્ટિક્સ હબ અને કાસ્પિયન સમુદ્રમાં રહેલા કેટલાક જહાજોને નિશાન બનાવવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
https://twitter.com/ZelenskyyUa/status/2080955669407015342
ઓઈલ રિફાઈનરી પર ડ્રોન હુમલા
ઝેલેન્સ્કીએ આ કાર્યવાહી ને 'લૉન્ગ-રેન્જ સૅન્કશન્સ' ગણાવી છે. તેમના જણાવ્યા મુજબ આ હુમલાઓનો ઉદ્દેશ રશિયાની યુદ્ધ ક્ષમતાને નબળી પાડવાનો છે. યુક્રેન હવે માત્ર પોતાની સરહદોનું રક્ષણ નહીં પરંતુ રશિયાના વ્યૂહાત્મક સ્થળો પર સીધા હુમલા કરવાની નીતિ અપનાવી રહ્યું છે. યુક્રેનના દાવા પ્રમાણે કિરોવ વિસ્તારમાં આવેલા હથિયાર પ્લાન્ટ પર હુમલો કરવામાં આવ્યો હતો, જે રશિયાને યુદ્ધ માટે જરૂરી સાધનો પૂરા પાડે છે. આ સ્થળ યુક્રેનની સરહદથી લગભગ 1200 કિલોમીટર દૂર છે. આ ઉપરાંત ત્યૂમેનની ઓઈલ રિફાઈનરી પર ડ્રોન હુમલાથી આગ લાગ્યાનું પણ જણાવાયું છે.
રશિયા માટે આંતરિક વિસ્તારોની સુરક્ષા વધુ મોટો પડકાર
યેકાતેરિનબર્ગમાં આવેલા લોજિસ્ટિક્સ હબ અને રોસ્ટોવ-ઓન-ડોનના ફ્યુઅલ ડિપોને પણ નિશાન બનાવવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કાસ્પિયન સમુદ્રમાં ઈરાન સાથે જોડાયેલા સૈન્ય કાર્ગો જહાજોને નુકસાન પહોંચાડવાનો દાવો પણ સામે આવ્યો છે. રશિયન અધિકારીઓએ કેટલાક સ્થળોએ આગ લાગવાની પુષ્ટિ કરી છે, પરંતુ મોટા નુકસાન અને જાનહાનિનો ઈનકાર કર્યો છે.
યુક્રેનની લાંબા અંતરની ડ્રોન અને મિસાઈલ ક્ષમતામાં વધારો થતાં યુદ્ધની દિશા બદલાઈ શકે છે. આ હુમલાઓથી રશિયાની ઊર્જા વ્યવસ્થા, સપ્લાય ચેઇન અને સૈન્ય ઉત્પાદન પર દબાણ વધી શકે છે. બીજી તરફ, રશિયા માટે પોતાના આંતરિક વિસ્તારોની સુરક્ષા વધુ મોટો પડકાર બની શકે છે.
આ પણ વાંચો : Iran War 2026: ઈરાન વિરુદ્ધ અખાતી દેશો, બહરીન-કુવૈતે કર્યા સીક્રેટ હુમલા