શોખ બડી ચીજ હૈ. દુનિયામાં દરેક વ્યક્તિને કંઈક ને કંઈક વસ્તુનો શોખ હોય છે. કોઈને જુના સિક્કા અને નોટો ભેગા કરવાનો શોખ હોય છે, તો કોઈને કારો કે બાઈકનો. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક સાદો શોખ કોઈની કિસ્મત જ બદલી નાખે? સામાન્ય રીતે શોખને આપણે આનંદ અને સમય પસાર કરવા માટે માનીએ છીએ, પરંતુ ક્યારેક એ જ શોખ જીવનમાં એવો વળાંક લાવી દે છે જેની કોઈ કલ્પના પણ કરી ન હોય. આવી જ એક અવિશ્વસનીય ઘટના એક વ્યક્તિ સાથે બની, જ્યાં શોખે તેને માત્ર ખુશી નહીં પરંતુ અણધાર્યો ખજાનો પણ આપ્યો.


એક જૂની લશ્કરી ટેન્ક ખરીદી

એક માણસે પોતાના શોખ માટે એક જૂની લશ્કરી ટેન્ક ખરીદી, પરંતુ તેને ખબર નહોતી કે આ ટેન્ક તેની જિંદગીનો સૌથી આશ્ચર્યજનક અનુભવ બની જશે. લશ્કરી વાહનોનો સંગ્રહ કરવાનો શોખ ધરાવતા નિક મીડે નામના વ્યક્તિએ એક રશિયન T54/69 ટેન્ક ખરીદી. તેણે આ ટેન્ક માટે લગભગ 30,000 પાઉન્ડ, એટલે કે અંદાજે 36 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. તેનો હેતુ એક જ હતો – ટેન્કને રિપેર કરીને પોતાના લશ્કરી વાહનોના વિશાળ સંગ્રહમાં સામેલ કરવો.

150 જેટલી લશ્કરી વાહનોનો સંગ્રહ

નિક પાસે પહેલેથી જ લગભગ 150 જેટલા લશ્કરી વાહનોનો સંગ્રહ છે. ટેન્ક ખરીદ્યા બાદ જ્યારે તે મિકેનિક ટોડ ચેમ્બરલેન સાથે તેની મરામત કરવા લાગ્યો, ત્યારે બંનેએ ટેન્કની ઇંધણ ટાંકી ખોલવાનો નિર્ણય લીધો. તેમને શંકા હતી કે અંદર કોઈ જૂનું દારૂગોળું હોઈ શકે છે, જે જોખમી સાબિત થઈ શકે. પરંતુ ટાંકી ખોલતા જ તેઓ બંને દંગ રહી ગયા.

5 કિલોગ્રામ સોનાના લગડીઓ

ઇંધણ ટાંકીની અંદરથી લગભગ 5 કિલોગ્રામ વજનના સોનાના લગડીઓ મળી આવ્યા. આ સોનું એટલું શુદ્ધ અને ભારે હતું કે તેની કિંમત લગભગ 2 મિલિયન પાઉન્ડ (કરોડો રૂપિયાની) હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો. નિક અને ટોડ બંને માટે આ ક્ષણ અવિશ્વસનીય હતી. શોખ માટે ખરીદેલી ટેન્ક અચાનક ખજાનાની પેટી બની ગઈ હતી.

ઇતિહાસ ગલ્ફ યુદ્ધ સાથે

સોનું મળ્યા બાદ બંનેએ તરત જ પોલીસને જાણ કરી. ટોડે કહ્યું કે આવા મોટા પ્રમાણમાં સોનું મળ્યા બાદ કાયદેસર પ્રક્રિયા વિના કંઈ કરવું યોગ્ય નહોતું. પોલીસે સોનું જપ્ત કર્યું અને તેમને રસીદ આપી. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચર્ચા જગાવી દીધી. નિકનો અંદાજ છે કે આ ટેન્કનો ઇતિહાસ ગલ્ફ યુદ્ધ સાથે જોડાયેલો હોઈ શકે. તેમનો મત છે કે 1990ના દાયકામાં કુવૈતમાં યુદ્ધ દરમિયાન ઇરાકી સૈનિકોએ લૂંટાયેલું સોનું ટેન્કની ઇંધણ ટાંકીમાં છુપાવ્યું હશે. બાદમાં આ ટેન્ક બ્રિટન સુધી પહોંચી ગઈ અને વર્ષો સુધી આ રહસ્ય છુપાયેલું રહ્યું.

યુક્રેનને અનેક લશ્કરી વાહનો દાનમાં આપ્યા

નિક મીડે માત્ર ટેન્ક્સનો શોખીન જ નથી, પરંતુ તે માનવતાવાદી કાર્ય માટે પણ જાણીતો છે. રશિયા-યુક્રેન યુદ્ધ બાદ તેણે યુક્રેનને અનેક લશ્કરી વાહનો દાનમાં આપ્યા હતા. નિક કહે છે કે જો સોનું પાછું ન મળે, તો પણ તેને પોતાની ટેન્ક પર કોઈ અફસોસ નથી. તેના માટે શોખ અને ઇતિહાસ બંને અમૂલ્ય છે.

આ પણ વાંચો : World News : 'હું ભગવાન છું' ટ્રમ્પના શબ્દોએ ઉઠાવ્યા ગંભીર પ્રશ્નો


  • Follow us on: