અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનો દ્વારા વૈશ્વિક ચર્ચાને વેગ આપ્યો છે. એક ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેમને આંતરરાષ્ટ્રીય કાયદાની ખાસ પરવા નથી અને તેમની શક્તિઓને મર્યાદિત કરી શકે એવી એકમાત્ર વસ્તુ તેમની પોતાની નૈતિકતા છે. આ નિવેદનને ઘણા લોકો અહંકારપૂર્ણ અને લોકશાહી મૂલ્યો સામે ગણાવી રહ્યા છે.
માલિકી ખૂબ જ મહત્વપૂર્ણ
ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તેમનું વહીવટીતંત્ર વેનેઝુએલા સામે લીધેલા પગલાં અને ગ્રીનલેન્ડને અમેરિકામાં ભેળવવાની સંભાવનાઓ પર વિચાર કરી રહ્યું છે. ટ્રમ્પે કહ્યું કે “માલિકી” ખૂબ મહત્વપૂર્ણ છે અને માત્ર સંધિ કે લીઝથી તે પ્રકારની માનસિક અને વ્યૂહાત્મક શક્તિ મળતી નથી, જે સંપૂર્ણ માલિકીથી મળે છે. તેમણે ગ્રીનલેન્ડને ડેનમાર્કનું સ્વાયત્ત પ્રદેશ હોવા છતાં પણ તેના વ્યૂહાત્મક મહત્વ પર ભાર મૂક્યો.
માદુરો સરકાર પર ગંભીર આરોપો
વેનેઝુએલા મુદ્દે ટ્રમ્પે નિકોલસ માદુરો સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમનો દાવો છે કે માદુરો શાસન દ્વારા ડ્રગ કાર્ટેલ્સને અમેરિકામાં મોકલવામાં આવ્યા હતા, જે US માટે સીધો ખતરો હતો. આ દાવાને આધારે ટ્રમ્પે વેનેઝુએલા સામે લેવામાં આવેલા પગલાંને યોગ્ય ગણાવ્યા છે.
ચીન અને રશિયા જેવા દેશોને પ્રોત્સાહન આપશે?
આ નિવેદનો વચ્ચે એક મોટો પ્રશ્ન એ પણ ઊભો થયો છે કે શું ટ્રમ્પના પગલાં ચીન અને રશિયા જેવા દેશોને પ્રોત્સાહન આપશે? ચીન તાઇવાનને અને રશિયા યુક્રેનને પોતાના નિયંત્રણમાં લેવા ઇચ્છે છે એવી માન્યતાઓ છે. પરંતુ ટ્રમ્પે આ વિચારને ફગાવી દીધો. તેમણે કહ્યું કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ તેમના કાર્યકાળ દરમિયાન તાઇવાન પર કબજો નહીં કરે, કારણ કે તેમણે તેમને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે.
નિષ્ણાતોનું શું માનવું છે?
નિષ્ણાતો માને છે કે ટ્રમ્પના આવા નિવેદનો આંતરરાષ્ટ્રીય કાયદા અને વૈશ્વિક સંતુલન માટે જોખમરૂપ બની શકે છે. બીજી તરફ, તેમના સમર્થકો કહે છે કે ટ્રમ્પ અમેરિકાના હિતોને પ્રથમ સ્થાન આપે છે અને કોઈપણ દબાણ હેઠળ નથી આવતાં. ટ્રમ્પના શબ્દો અને પગલાં આગામી સમયમાં વૈશ્વિક રાજકારણની દિશા પર મોટી અસર કરી શકે છે.
આ પણ વાંચો : UPIનો ઉપયોગ કરીને તમે ક્યારે PF ના પૈસા ઉપાડી શકશો? જાણો કેવી રીતે