યુનાઇટેડ સ્ટેટ્સમાં ફ્લાઇટ દરમિયાન કરવામાં આવેલી એક બેજવાબદાર મજાક ભારે પડી હતી. લાસ વેગાસથી ન્યુ જર્સીના નેવાર્ક જતી યુનાઇટેડ એરલાઇન્સની ફ્લાઇટમાં એક મુસાફરે કરેલા ટેક્સ્ટ મેસેજના કારણે ભારે હંગામો મચી ગયો હતો. મેસેજમાં વિમાનને હાઇજેક કરીને ક્રેશ કરવાની ધમકી આપવામાં આવી હતી, જેના પગલે વિમાનને તાત્કાલિક લાસ વેગાસ પરત લાવવું પડ્યું હતું. પોલીસે આ કેસમાં 25 વર્ષીય દાન્તે મિલાનની ધરપકડ કરી છે.

ફ્લાઇટ એટેન્ડન્ટની નજરે ચડ્યો મેસેજ

પોલીસ અહેવાલ મુજબ, ફ્લાઇટમાં ચઢતી વખતે એક ફ્લાઇટ એટેન્ડન્ટે બે મુસાફરોને ટેક્સ્ટ મેસેજ પર વાતચીત કરતા જોયા હતા. આ વાતચીતમાં અન્ય મુસાફરો અને ફ્લાઇટ એટેન્ડન્ટ વિશે કેટલીક અપમાનજનક ટિપ્પણીઓ પણ હતી. દરમિયાન, ફ્લાઇટ એટેન્ડન્ટની નજર એક એવા સંદેશ પર પડી જે "હું હાઇજેક કરીશ" શબ્દોથી શરૂ થતો હતો. આ ગંભીર બાબતની જાણ તરત જ મુખ્ય ફ્લાઇટ એટેન્ડન્ટને કરવામાં આવી.

10,000 ફૂટની ઉંચાઇએ આવ્યો મેસેજ

જ્યારે વિમાન આશરે 10,000 ફૂટની ઊંચાઈએ પહોંચ્યું, ત્યારે કોકપીટ સુરક્ષા પ્રક્રિયાઓ મુજબ કેપ્ટનને આ ધમકીની જાણ કરવામાં આવી હતી. પાયલોટે તાત્કાલિક નિર્ણય લઈને વિમાનને લાસ વેગાસ એરપોર્ટ પર પાછું વાળ્યું હતું. વિમાન લેન્ડ થતાં જ સુરક્ષાકર્મીઓએ આરોપી દાન્તે મિલાનને કસ્ટડીમાં લઈ લીધો હતો.

આરોપીનો દાવો - 'આ માત્ર મજાક હતી':

ત્યાના રહેવાસી દાન્તે મિલાન પાણીની અંદર વેલ્ડર તરીકે કામ કરે છે અને તે એક તાલીમ કાર્યક્રમ માટે લાસ વેગાસ આવ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે પોલીસને જણાવ્યું કે એરપોર્ટ પર તેણે થોડો દારૂ પીધો હતો અને પ્લેનમાં સૂઈ ગયો હતો. તેણે સ્વીકાર્યું કે તાલીમ દરમિયાન મળેલા સાથીદાર સાથે તે ટેક્સ્ટ પર વાતચીત કરી રહ્યો હતો.

એક મજાકે લોકોના જીવ તાળવે ચોંટાડ્યા

મિલાને દાવો કર્યો હતો કે તેના શબ્દો અયોગ્ય હતા પરંતુ તે માત્ર એક મજાક હતી. તેનો વિમાન હાઇજેક કરવાનો કે કોઈને નુકસાન પહોંચાડવાનો કોઈ ઈરાદો નહોતો. જોકે, સુરક્ષા એજન્સીઓ આવી ધમકીઓને ખૂબ જ ગંભીરતાથી લે છે. મિલાન સામે આતંકવાદી કૃત્ય સંબંધિત ખોટી માહિતી આપવા અને ધમકી આપવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. તેના વકીલે જણાવ્યું છે કે તેઓ કોર્ટમાં દોષિત ન હોવાની દલીલ કરશે. ફ્લાઇટમાં મજાક કે અફવા ફેલાવવાના આવા કિસ્સાઓ અગાઉ પણ બન્યા છે, જેમાં મુસાફરોને જેલની હવા ખાવી પડી છે.

આ પણ વાંચોઃ Smit Macharના માથાની પાછળ લાગેલા ટાંકા જ દર્શાવે છે કે હુમલો કેવો ઘાતક હતો, ઘાના નિશાન બહાદુરીના સાક્ષી